IMG-20230620-WA0016

પ્રાચીનકાળથી યોગ અને ભક્તિનો પ્રચાર-પ્રસાર કરતા અને દક્ષિણ કાશી તરીકે પ્રચલિત કાયાવરોહણમાં આવી છે લકુલીશ યોગ યુનિવર્સિટી

વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાત યોગ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ આપતી લકુલીશ યોગ યુનિવર્સિટીની...

પ્રાચીનકાળથી યોગ અને ભક્તિનો પ્રચાર-પ્રસાર કરતા અને દક્ષિણ કાશી તરીકે પ્રચલિત કાયાવરોહણમાં આવી છે લકુલીશ યોગ યુનિવર્સિટી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેને યુગ યુનિવર્સિટી કહી છે તે લકુલીશ યોગ યુનિવર્સિટીની વિશ્વને યોગમય બનાવવામાં છે મહત્વની ભૂમિકા

આલેખનશીતલ પરમાર

યોગની જન્મભૂમિ અને કર્મ, જ્ઞાન તેમજ યોગના પ્રચાર અને પ્રસારની ભૂમિ એટલે કાયાવરોહણ. પુરાણો અને સનાતન સંસ્કૃતિ અનુસાર કાયાવરોહણ એ યોગનું ઉદગમસ્થાન છે. ત્યારે આજે વાત કરવી છે, વડોદરાની આ પવિત્ર ભૂમિ પર યોગ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ અને યોગ પર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરતી  લકુલીશ યોગ યુનિવર્સિટીની. જ્યાં ભગવાન લકુલીશ પૂર્ણ સ્વરૂપે બિરાજમાન છે એ જ પવિત્ર નગરીમાં યોગ વિષયક અભ્યાસક્રમો થકી યોગનો પ્રચાર-પ્રસાર કરી રહી છે લકુલીશ યોગ યુનિવર્સીટીની કાયાવરોહણ શાખા.

અડસઠ તીર્થોમાં જેની ગણના થાય છે તે પ્રાચીન તીર્થ કાયાવરોહણનો યોગ સાથે ખૂબ જ જૂનો સંબંધ છે. ભગવાન લકુલીશજીના કાળમાં પશુપતિચાર્યોને યોગ દીક્ષા અને યોગ શિક્ષા આપવાનું કાર્ય કાયાવરોહણ તીર્થથી કરવામાં આવતું હતું. અર્વાચીન યોગીશ્રી કૃપાલ્વાનંદજી ના પુરુષાર્થથી વર્ષ ૧૯૧૩માં કાયાવરોહણ શિવાલયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૭૬માં કાયાવરોહણ ખાતે યોગ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં યોગ શિક્ષા અને યોગ તાલીમ માટે અલગ અલગ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. અહીં યોગ-વિષયક સંવાદ સહિત યોગશિક્ષકની તાલીમ પણ આપવામાં આવતી હતી. આ યોગ વિદ્યાલયમાં અનેક લોકોએ તાલીમ મેળવીને જીવન જીવવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.  

આપણી મહાન સાંસ્કૃતિક વારસારૂપી યોગ પરંપરા અને યોગ શિક્ષાને લોકો સુધી પહોંચાડીને સમગ્ર વિશ્વને યોગમય બનાવવાનું જે સ્વપ્ન સ્વામી શ્રી કૃપાલ્વાનંદજીએ સેવ્યું હતું, તેને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૧૩માં સ્વામીશ્રી રાજશ્રી મુનિની પ્રેરણાથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. કહેવાય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરાવવાની પ્રેરણા પણ સ્વામીશ્રી રાજશ્રી મુનિ દ્વારા આપવામાં આવી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યોગ યુનિવર્સીટીની સ્થાપના સમયે તેને વિશ્વની યુગ યુનિવર્સિટી છે તેમ જણાવતા કહ્યું હતું કે, યોગ એ આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે. યોગના સત્વ તથા સત્યનું સમગ્ર વિશ્વ દર્શન કરે તે માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આજના આધુનિક ટેકનોલોજીના જ્ઞાનયુગમાં વસુધૈવ કુટુમ્બકમના સૂત્રને ચરિતાર્થ કરવા માટે યોગ સૌથી ઉત્તમ અને સરળ માર્ગ છે, ત્યારે યોગસંદેશને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે આ યુનિવર્સીટી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

કાયાવરોહણ સ્થિત લકુલીશ યોગ યુનિવર્સિટીના મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન લકુલીશ મહાદેવના ૨૮મા અવતાર છે અને દરેક અવતારમાં ભગવાનના ચાર શિષ્યો દ્વારા યોગનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આજે પણ મહર્ષિ પતંજલિનાં યોગમાર્ગ અને સનાતન સંસ્કૃતિના જતન માટે કર્મ, જ્ઞાન અને યોગનો પ્રચાર પ્રસાર કરી રહી છે. પરિણામે આજે આ એક યુનિવર્સિટી સમગ્ર વિશ્વના યોગ પ્રેમી લોકો માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે. દેશ વિદેશના સેંકડો લોકો અહીંયાથી યોગનુ સાચું જ્ઞાન મેળવીને વિશ્વભરમાં યોગ શિક્ષા અને યોગ વિદ્યા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 

આ યુનિવર્સિટીના કાયાવરોહણ કેન્દ્ર ખાતે યોગના અલગ અલગ વિષયો માટે યોગ ટીચર ટ્રેનિંગ કોર્સ અને અષ્ટાંગ યોગમાં ડિપ્લોમા કોર્સ જેવા અલગ અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. યોગ ટીચર ટ્રેનિંગ કોર્સ ૪૫ દિવસનો અભ્યાસક્રમ છે. જ્યારે અષ્ટાંગ યોગમાં ડિપ્લોમા કોર્સ ૨ વર્ષનો છે. યોગ શીખવા અને શીખવવા માટે આ બન્ને કોર્સમાં અનેક ક્રમશઃ ધો. ૧૨ પાસ અને ધો. ૧૦ પાસ યુવાનો ભાગ લઈને યોગ વિષયમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. 

શ્રી લકુલીશ યોગ યુનિ. એક ખાનગી યુનિવર્સિટી છે. જેનો ઉદ્દેશ્ય ફક્ત અષ્ટાંગ યોગ જ નહિ, પરંતુ મહર્ષિ પતંજલિના જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ અને મંત્ર યોગને લોકો સુધી પહોંચાડવાનો છે. યોગ સંલગ્ન શાખાઓમાં જેવી કે ફિલસૂફી, મનોવિજ્ઞાન, શરીરરચના, આયુર્વેદ, નિસર્ગોપચાર, આહારશાસ્ત્ર, આરોગ્ય શારીરિક શિક્ષણ અને સ્વચ્છતા, વગેરેનું પ્રારંભિક શિક્ષણ આપવા માટે પણ તેની સ્થાપના કરવામાં આવી હોવાથી આજે લોકોમાં નૈતિક અને આધ્યાત્મિક જાગૃતિ પેદા કરવા માટે પણ યોગ યુનિવર્સિટી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 

શ્રી લકુલીશ યોગ યુનિ.માં અભ્યાસ માટેના નિયમો અન્ય યુનિવર્સિટી કરતા અલગ છે. સ્વાયત્તતા અને યોગને સર્વ સમાવેશી બનાવવાના હેતુથી લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના ખાનગી રીતે કરવામાં આવી હતી. શ્રી લકુલીશ યોગ યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટી કરતા ખૂબ જ અલગ તરી આવે છે. અન્ય યુનિવર્સિટીમાં કાર્યરત પી.એચડી. અભ્યાસક્રમો માટે જે તે વિષયમાં ૫૫ ટકા સાથે અનુસ્નાતક પદવી હોવી જરૂરી છે. પરંતુ આ એક માત્ર એવી યુનિવર્સિટી છે જેમાં કોઈપણ વિષયના ૫૫ ટકા સાથે અનુસ્નાતક હોવા સાથે પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ યોગમાં પીએચ.ડી. કરી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચારોડી સ્થિત યુનિવર્સિટી સહિત કાયાવરોહણ, મલાવ, વડોદરા અને સુરતમાં તેની શાખાઓ પ્રસરેલી છે. મુખ્ય યુનિવર્સિટી મથક સહિત શાખાઓ ખાતે કર્મ-જ્ઞાન - ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગમાં બી.એસસી., એમ.એસસી. અને ડિપ્લોમા કોર્સની સાથે યોગ થેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને યોગ ટીચર ટ્રેનિંગ કોર્સ પણ ચલાવવામાં છે.

વર્તમાન ભૌતિકવાદી જગતમાં જ્યારે માનવજીવન અને સમાજીક જીવન તણાવગ્રસ્ત બની રહ્યું છે, ત્યારે તણાવમુક્ત વ્યવસ્થાપનના તજજ્ઞો દ્વારા ચાલતા આ અભ્યાસક્રમો થકી કારકિર્દીનું નવું ક્ષેત્ર વિકસાવવામાં કાયાવરોહણ સ્થિત યોગ યુનિવર્સિટી માનવતાની સેવા કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે.
૦૦૦