Mango Exhibition Panas  (2)

સમગ્ર વિશ્વમાં કેરીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે

સુરતના પનાસ ખાતે કેરી પ્રદર્શન અને હરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો

૪૩થી વધુ જાતિની કેરીઓ પ્રદર્શનમાં મૂકાઈ: ૯ વિદેશી જાતની કેરી બની આકર્ષણનું કેન્દ્ર

સમગ્ર વિશ્વમાં કેરીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે

૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત-સંવર્ધિત સોનપરી કેરીની વિદેશમાં બોલબાલા

ગુજરાતની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે જગવિખ્યાત છે.- નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશભાઈ પડાલિયા

સુરત
 નાયબ બાગાયત નિયામક કચેરી-સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના સંયુક્ત ઉપક્રમે અઠવાની પનાસ સ્થિત અસ્પી શકીલમ બાયોટેક્નોલોજી કોલેજ ખાતે એક દિવસીય કેરી પ્રદર્શન અને ફરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૪૩થી વધુ જાતની આંબાની કેરી પ્રદર્શિત કરાઈ હતી, તેમજ ૯ વિદેશી જાતની કેરી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 
       કેરી પ્રદર્શનમાં જિલ્લાના ૮૩ ખેડૂતોએ ૯૮ થી વધુ કેરીના વિવિધ જાતોના નમૂનાઓ પ્રદર્શિત કર્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.
      આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલિયાએ જણાવ્યું હતું કે, ફળનો રાજા એટલે કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે. વિશેષત: રાજ્યની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે જગવિખ્યાત છે. ૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત અને સંવર્ધિત ‘સોનપરી’ કેરીની વિદેશમાં જબરી માંગ છે. હાફુસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને 'સોનપરી કેરી'ની નવી જાતનું સંશોધન થયું છે. આ સાથે ખેડૂતોએ કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેર સમયે કાળજી રાખવાની સાથે નવી સિઝનમાં સેન્દ્રિય ખાતરના ઉપયોગનું સૂચારૂ આયોજન કરવું હિતાવહ છે એમ તેમણે ઉમર્યું હતું.
        આ પ્રસંગે નવસારી યુનિવર્સિટીના આસિ.પ્રોફેસર ડો.બી.એમ.ટંડેલે ક્લાઈમેટ ચેન્જની સમસ્યાની સાથે ખેડૂતોને કેરીના ઉત્પાદનમાં આંબાના વાવેતર, આંબાના પાકમાં ફ્લાવરથી લઈને કેરી પાક સુધીની રાખવામાં આવતી તકેદારી અને યોગ્ય માવજત અંગે માહિતગાર કર્યા હતા. કેરી ઉત્પાદનમાં બેગિંગ કરવાથી થતા ફાયદા અંગે ખેડૂતોને જરૂરી દિશાનિર્દેશ સૂચવ્યા હતા.
         આ અવસરે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વૈજ્ઞાનિક આર.કે પટેલે આંબાના પાકોમાં થતા વિવિધ રોગોની ઓળખ, નિદાન અને નિયંત્રણ માટે ખેડૂતોને વિશેષ તાંત્રિક માહિતી પૂરી પાડી હતી. 
          નોંધનીય છે કે, ૯ વિદેશી જાતની કેરી કેસિન્ગટન, લીલી, ટોમી એટકીન્સ, ઈઝરાઈલ હાઈબ્રીડ, કેઈટ, પાલ્મર, કિંગફોન, માયા અને ઓસ્ટીન કેરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
             આ પ્રસંગે નવસારી કૃષિ યુનિ. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.એમ.ચૌહાણ, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર-સુરતના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડા, નવસારી કૃષિ યુનિ.ના ASBIના ઈ.પ્રિન્સિપાલ ડો.આર.એલ.લેઉવા, આત્મા પ્રોજેક્ટના નાયબ નિયામકશ્રી એન.જી. ગામીત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ.જે.એચ.રાઠોડ, ચોર્યાસી આર.એફ.ઓ. જે.જી.ગામીત, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. 
-૦૦૦-