IMG-20240216-WA0005

ચારૂસેટમાં રૂ 3 કરોડના USA સ્થિત દાતા કાર્ડિયોલોજીસ્ટ ડો અશ્વિનકુમાર પટેલને દાનભાસ્કર એવોર્ડ

ચારૂસેટમાં રૂ. 3 કરોડના USA સ્થિત દાતા-કાર્ડિયોલોજીસ્ટ ડો. અશ્વિનકુમાર પટેલને દાનભાસ્કર એવોર્ડ

ચારૂસેટ હોસ્પિટલમાં કાર્ડિયાક કેર સેન્ટરનું  લોકાર્પણ અને નામાભિધાન 


આણંદ ટુડે | ચાંગા
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 3 કરોડનું માતબર દાન આપનાર મૂળ ચાંગાના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ અને ઉદાર દિલના દાતા ડો. અશ્વિનકુમાર  ઈશ્વરભાઈ પટેલ (ચાંગા/ USA)ને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 15મી ફેબ્રુઆરીએ, ગુરૂવારે  ચારૂસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે શ્રો ઈશ્વરભાઈ વલ્લવભાઈ પટેલ અને શ્રીમતી મણીબેન ઈશ્વરભાઈ પટેલ (ચાંગા) કાર્ડિયાક કેર સેન્ટરનું લોકાર્પણ અને નામાભિધાન કરવામાં આવ્યું હતું.    
સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ  શ્રી સી. એ.  પટેલ,   કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ,  ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ  ડો.  આર.  વી.  ઉપાધ્યાય, માતૃસંસ્થાના ઉપપ્રમુખ શ્રી નવનીતભાઈ પટેલ, પ્રિ. આર. વી. પટેલ, વી. એમ. પટેલ, દિલીપભાઈ પટેલ,  એડવાઈઝર ડો. બી. જી. પટેલ, ડો. અમરીશ પટેલ-યુકે,   માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ,  હોદેદારો,  ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ડીન, વિભાગોના વડાઓ,  ફેકલ્ટી,  ચારૂસેટ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા ડો. અશ્વિનકુમાર પટેલના પરિવારજનો ડો. યશવંતભાઈ પટેલ, શ્રીમતી સુરેખાબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા.  
પ્રારંભમાં ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલે સ્વાગત પ્રવચન કરતાં  આમંત્રિતો મહેમાનો અને મહાનુભાવોને આવકાર્યા હતા.  
કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે દાતા ડો. અશ્વિનકુમાર  પટેલનો પરિચય આપ્યો હતો.  
ત્યાર બાદ દાતા ડો. અશ્વિનકુમાર પટેલ તેમજ મહેમાનોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  
IIIM ના પ્રિન્સીપાલ ડૉ. બિનીત પટેલે ચારુસેટની ચારેય સંસ્થાઓ વિષે વિગતવાર માહિતી આપી હતી.  
ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ  ડો.  આર.  વી.  ઉપાધ્યાયે યુનીવર્સીટીની સિદ્ધિઓની ઝાંખી કરાવી હતી. 
દાનભાસ્કર એવોર્ડ વિષે ‘સમાજગોષ્ઠી’ ના તંત્રી ડો. શરદભાઈ પટેલે માહિતી આપી હતી. 


સહિયારી શિક્ષણ અને  સ્વાસ્થ્યયાત્રામાં અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું.

માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્યયાત્રામાં અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં રૂ. 1 કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા 50 વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. જેઓને કેળવણી મંડળની પરંપરા મુજબ ‘દાનભાસ્કર’ એવોર્ડ અને સન્માનપુષ્પથી નવાજવામાં આવે  છે. આ 35મો   ‘દાનભાસ્કર’ એવોર્ડ સમારંભ છે. 
દાનભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સના ઇન્ચાર્જ ડીન ડૉ.  ધ્રુવ દવેએ કર્યું હતું.   
મૂળ ચાંગાના વતની અને અમેરિકાસ્થિત વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ અને ચારુસેટ હોસ્પિટલમાં રૂ. 3 કરોડનું માતબર દાન આપનાર પરોપકારી દાતા ડો. અશ્વિનકુમાર ઈશ્વરભાઈ પટેલ આજીવન શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે સંકળાયેલા છે. 1940માં યુગાન્ડામાં જન્મેલા ડો. અશ્વિનકુમાર અમેરિકાની યુનીવર્સીટીના આમંત્રણને માન આપી યુનીવર્સીટી ઓફ વીસ્કોન્સીનમાં પ્રોફેસર તરીકે જોડાયા, એકેડેમિકમાં તેમની યાત્રા 1974 થી શરુ થઇ અને યુનીવર્સીટી ઓફ વીસ્કોન્સીન મેડીકલ સ્કૂલમાં મેડીસીનના આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા અને ત્યાંથી જ 2001માં નિવૃત થયા. કાર્ડિયોલોજી ક્ષેત્રે તેમનું માતબર પ્રદાન છે. તેઓ USAમાં 200 થી વધારે કાર્ડિયોલોજીસ્ટના મેન્ટર રહ્યા છે.  મંદિરો, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે તેમનું માતબર પ્રદાન છે. તેઓ ભારતમાં ચેરીટેબલ સંસ્થાઓમાં પોતાનો સમય અને જ્ઞાન સમર્પિત કરી રહ્યા છે. આ ઉપરાંત મેઘરજમાં NGO કોમ્બેટ બ્લાઈન્ડ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે જેણે અત્યાર સુધીમાં 4000 કેટરેકટ સર્જરી કરી છે.  ડો. અશ્વિનકુમાર ઈશ્વરભાઈ પટેલ તરફથી ચારુસેટ હોસ્પિટલમાં કાર્ડિયાક  કેર સેન્ટર માટે રૂ. 3  કરોડ પ્રાપ્ત થયા છે. 
ડો. એમ. સી. પટેલના હસ્તે  દાતા ડો. અશ્વિનકુમારને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને શ્રી નગીનભાઈ પટેલના હસ્તે દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.  
શ્રી નગીનભાઈ પટેલે કહ્યું કે દાન આપવું અને અપાવવું મહત્વની કડી છે ડો. યશવંત પટેલ દાન અપાવવા માટે મોટી કડી બન્યા છે. તેમના મોટાભાઈ સૂર્યકાંત છગનભાઈ પટેલે પણ રૂ. 8 કરોડનું દાન આપ્યું છે. ભવિષ્યમાં તેમનો સાથસહકાર મળતો રહેશે તેવી અપેક્ષા છે. 
દાતા પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા ડો. યશવંતભાઈ પટેલે કહ્યું અમારા પરિવાર માટે આ આનંદ અને ગૌરવનો દિવસ છે. ચારુસેટ સાથે વર્ષ 2001થી સંબંધ છે અને શૈક્ષણિક-આરોગ્ય ક્ષેત્રે આટલું મોટું  ભગીરથ કાર્ય થઇ રહ્યું છે જેમાં સહાયરૂપ થવાનું અમે નક્કી કર્યું હતું જે સાકાર થયું છે. ભવિષ્યમાં પણ અમે સંસ્થાને મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું. 
દાતા ડો. અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે આ દાન આપવા પાછળની પ્રેરણા અને સપોર્ટ મારા સાળા ડો. યશવંતભાઈ અને બહેન સુરેખાબેન છે. તેમણે ચારુસેટ વિષે મારું ધ્યાન દોર્યું હતું અને મને સંસ્થા વિષે જાણીને દાન આપવાની પ્રેરણા પ્રાપ્ત થઇ. આ ઉપરાંત  મારા માતા પિતાની યાદગીરી તરીકે પણ દાન આપવાની તક મળી. મેં દાન આપવાનો તેમનો વારસો જાળવી રાખ્યો છે અને તેમનું આ સપનું સાકાર કર્યું તેનો મને આનંદ છે.  ભવિષ્યમાં આ સંસ્થા સતત પ્રગતિ કરતી રહે એવી આશા છે. 
અધ્યક્ષસ્થાનેથી શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે હોસ્પિટલોમાં કાર્ડિયાક ડીસીસની સમસ્યા વધી છે અને હવે યુવા પેઢી પણ તેનો શિકાર બની રહી છે ત્યારે હોસ્પિટલમાં કાર્ડિયાક માટેનું યુનિટ હોવું જરૂરી હતું જે માટે ચાંગાના જ કાર્ડીયોલોજીસ્ટે દાન આપ્યું છે તે સદભાગ્ય છે જ્યાં દાતાની  કુશળતા અને જ્ઞાનનો ઉપયોગ થાય તેવી આશા છે. આવા દાતાઓના માતબર દાનથી અમે સતત પ્રગતી કરી રહ્યા છીએ.  
કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલે આભારવિધિ કરી હતી. સમારંભનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા અને વિજય મકવાણાએ  કર્યું હતું.