IMG-20230331-WA0004

'અનુવચન'માં સામાજિક ચેતનાનો ધબકાર છે - ભાગ્યેશ જ્હા, અધ્યક્ષ-ગુજરાત સાહિત્ય અકાદમી

'અનુવચન'માં સામાજિક ચેતનાનો ધબકાર છે - ભાગ્યેશ જ્હા, અધ્યક્ષ-ગુજરાત સાહિત્ય અકાદમી

 'અનુવચન' નટુભાઈની સામાજિક નિસબત વ્યક્ત કરે છે - પ્રવીણ ગઢવી,અધ્યક્ષ-ગુજરાત દલિત સાહિત્ય અકાદમી

 'સાતત્યપૂર્ણલેખનનો પ્રતાપ છે 'અનુવચન -પુલક ત્રિવેદી, લેખક-ચિંતક

નટુભાઈ જાગૃત લેખક-પત્રકાર છે - રમણ વાઘેલા, કવિ-લેખક

લેખક-પત્રકાર નટુભાઈ પરમારના પુસ્તક 'અનુવચન'નું લોકાર્પણ 

સર્જકો સર્વશ્રી ભાગ્યેશ જ્હા,પ્રવીણ ગઢવી,પુલક ત્રિવેદી, કલ્પેશ પટેલ, રમણ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધીનગરમાં આયોજિત લોકાર્પણમાં સાહિત્ય રસિકો-ભાવકોની ઉપસ્થિતિ


ગાંધીનગર 

ગાંધીનગરમાં વસતા લેખક-પત્રકાર નટુભાઈ પરમારના ૧૦માં પુસ્તક 'અનુવચન'નો લોકાર્પણ સમારોહ, સર્વ શ્રી ભાગ્યેશ જ્હા (અધ્યક્ષ-ગુજરાત સાહિત્ય અકાદમી), પ્રવીણ ગઢવી (અધ્યક્ષ-ગુજરાત દલિત સાહિત્ય અકાદમી),પુલક ત્રિવેદી(લેખક-ચિંતક),રમણ વાઘેલા(કવિ-સાહિત્યકાર) અને કલ્પેશ પટેલ (સાહિત્યકાર)ની પ્રેરક ઉપસ્થિતિમાં, રાધે બેન્કવેટ હોલ, સેક્ટર-૨૧,ગાંધીનગર ખાતે મોટી સંખ્યાના સાહિત્યભાવકો-ચાહકોની સાક્ષીએ યોજાઈ ગયો.

અધ્યક્ષસ્થાનેથી બોલતા ભાગ્યેશ જ્હાએ 'અનુવચન'ના લેખક નટુભાઈ પરમારની સાડાત્રણ દાયકાની સર્જનયાત્રામાં સંવેદના અને સંદર્ભોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે.'અનુવચન'ના ચૌદ પ્રકરણોમાં સામાજિક ચેતનાનો ધબકાર છે.શ્રી ભાગ્યેશભાઈએ માહિતીખાતાના એક સમયના સંયુક્ત નિયામક નટુભાઈમાં સર્જક અને અધિકારીનો સમન્વય થયો હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

અતિથિવિશેષ શ્રી પ્રવીણ ગઢવીએ પ્રવાસ, વાંચન અને લેખનમાં બેહદ રૂચિ ધરાવતા નટુભાઈની દલિત સાહિત્ય અને દલિત સમાજ પ્રત્યેની નિષ્ઠા તેમના લખાણોમાં બુલંદ સ્વરે વ્યક્ત થાય છે તેમ જણાવી નટુભાઈની સામાજિક નિસબત અને પ્રતિબધ્ધતાને બિરદાવી હતી અને તેમને જાગૃત લેખક-પત્રકાર કહ્યા હતા.

અતિથિવિશેષ શ્રી પુલક ત્રિવેદીએ નટુભાઈને 'વાંચનવીર' કહી, બહુ બધુ વાંચતા અને પછી કલમ ઉપાડતા અભ્યાસુ લેખક તરીકે ઓળખાવી, માહિતીખાતામાં તેમના સેવાકાળ દરમિયાન અને નિવૃત્તિ બાદ પણ સતત અને સાતત્યપૂર્ણ લેખન કરતા નટુભાઈ સાથેની ત્રણ દાયકા જૂની મૈત્રીસફરને સંભારી હતી.

અતિથિવિશેષ શ્રી રમણ વાઘેલાએ 'અનુવચન' અને તેમાં સમાવિષ્ટ ચૌદ અભ્યાસલેખો પર વિગતવાર અને એટલી જ અભ્યાસપૂર્ણ મીમાંસા રજુ કરી હતી અને એક એક લેખ પર વિસ્તૃત વાત કરી હતી.

પ્રતિભાવ આપતાં 'અનુવચન'ના લેખક નટુભાઈ પરમારે 'અનુવચન' જે પાછલા વર્ષોમાં 'ગુજરાત' દીપોત્સવી વિશેષાંકમાં પ્રકાશિત થયેલા તેમના અભ્યાસલેખોનો સંગ્રહ છે, તેને આમ પુસ્તક રૂપે આકાર આપવામાં પ્રેરક બનેલા 'ગુજરાત' દીપોત્સવીના કાર્યવાહક સંપાદક પુલક ત્રિવેદી અને તેના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપી પ્રોત્સાહક બનેલ ગુજરાત સાહિત્ય અકાદમી અને એના અધ્યક્ષ પ્રતિ ઋણસ્વીકારનો ભાવ વ્યક્ત કર્યો હતો. 

પ્રારંભે સૌ મહેમાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાર્પણ કરી, 'અનુવચન'નું લોકાર્પણ કર્યું હતું.

આ લોકાર્પણ સમારોહમાં ડો.કેશુભાઇ દેસાઈ, કનૈયાલાલ ભટ્ટ,રાઘવજી માધડ,હરીશ મંગલમ્ , દલપત ચૌહાણ, મોહન પરમાર,સાહિલ પરમાર,કિશોર જિકાદરા,પ્રતાપસિંહ ડાભી,સંજય થોરાત,ઉત્સવ પરમાર,ભીખુ કવિ,જયંત પરમાર, વિજય રંચન, હિરેન ભટ્ટ, એમ.બી.પરમાર,પ્રકાશ લાલા, હર્ષદ ઠાકર, પ્રદીપ મહેતા, ચંદ્રવદન અને અન્નપૂર્ણા મેકવાન, હિરેન ભટ્ટ, ડો.રાજેશ મકવાણા,ડો. હર્ષદ પરમાર,  ડો. મહેશ મકવાણા, ડો. સ્વપ્નિલ મહેતા, કિર્તી પરમાર, દિનેશ ચૌહાણ,બાબુભાઈ પ્રજાપતિ, અંકુર શાહ, પ્રવીણ શ્રીમાળી, એમ.આર. રેવર, વસંત જાદવ, ધીરૂ કોટવાલ, ગીરીશ મારૂ, અરવિંદ વેગડા, જયેશ દવે,રણછોડભાઈ નાયક,મનીષા પરમાર, અંકુર શ્રીમાળી,નરેશ ચૌધરી,ભાનુભાઈ દવે, જનક મહેતા, અણદાભાઈ ચાવડા, પ્રવીણ પટેલ,અપેક્ષા પરમાર,  જ્વલ પરમાર, દક્ષેશ વાણીયા, પરિમલ પટેલ, હરેશ મકવાણા,રમેશ કાપડિયા,સ્મિતા કાપડિયા, પ્રવીણા પરમાર, ઈશ્વરભાઈ પરમાર, પ્રવીણ સુતરિયા, મૂળજીભાઈ ખુમાણ, સહિત સાહિત્યના - દલિત સાહિત્યના ભાવકો, માહિતીખાતાના સાથીઓ અને ગાંધીનગર સાહિત્ય સભાના મિત્રો, શુભેચ્છકો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોનું સ્વાગત રસીલાબેન પરમારે અને નટુભાઈની દોહિત્રી અક્ષરા વાણીયાએ કર્યું હતું.

સમગ્ર લોકાર્પણ સમારોહનું સુંદર સંચાલન જાણીતા સાહિત્યકાર શ્રી કલ્પેશ પટેલે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 'અનુવચન' એ નટુભાઈ પરમારનું દસમું પુસ્તક છે અને તેમાં તેમના દલિત સાહિત્ય અને દલિત વિષય આધારિત અભ્યાસલેખો સંકલિત રૂપે પ્રકાશિત થયા છે. નટુભાઈ પરમારના આ અભ્યાસલેખો તમામ, રાજ્યના માહિતીખાતા પ્રકાશિત 'ગુજરાત' દીપોત્સવી વિશેષાંકમાં પાછલા પંદર વર્ષ દરમિયાન  છપાયા હતા.