IMG-20230404-WA0017(1)

દહેજ ખાતે સફાઈ કર્મીઓના મોત મામલે સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ.

દહેજ ખાતે સફાઈ કર્મીઓના મોત મામલે સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ.

સરપંચ અને ડેપ્યુટી સરપંચ પતિ ફરાર : પોલીસ શોધખોળ માં લાગી.

ફરજ અને કાર્યોમાં બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવનાર દહેજના તલાટીને સસ્પેન્ડ કરાયા.

તસવીર -અહેવાલ - સૈયદ અમજદ ,વાગરા

વાગરા,તા.૫

વાગરા તાલુકા ના દહેજ ગ્રામ પંચાયત ની ગટર ની સફાઈ કરવા અંદર ઉતરેલા ત્રણ સફાઈ કર્મીઓના ગેસ લાગવાને કારણે મોત નિપજતા પંથકમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી હતી.દહેજ ગ્રામ પંચાયત ના સાફ-સફાઈ કરતા કામદારો નવીનગરી પાસે બી.એસ.એન.એલ ટાવર ની સામે આવેલ ખરીમાં થી પસાર થતી ગટર લાઈન માં સાફ સફાઈનું કામ કરવા ગટર ની અંદર ઉતર્યા હતા.જ્યારે બે જણ બહાર ઉભા હતા.૨૦ ફૂટ થી વધુ ઊંડી ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારો અનુક્રમે ગલસિંગભાઈ વરસિંગ ભાઈ મુનિયા,(ઉ.વ.૩૦) તથા પરેશભાઈ ખુમસંગભાઈ કટારા,(ઉ.વ.૨૨) અને અનિપભાઈ ઝાલુભાઈ પરમાર,(ઉ.વ.૨૪)નું ગટરમાં ગેસ લાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જે અંગે મૃતક અનિપ ભાઈ ઝાલુંભાઈ ના પત્ની રમીલા બેન દ્વારા દહેજ પોલીસ મથકે ગ્રામપંચાયત ના સરપંચ જયદીપસિંહ રામસિંહ રણા તેમજ મહિલા ડેંપ્યુટી સરપંચ ના પતિ મહેશ ભાઈ ગોહિલ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતા દહેજ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોતાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા દહેજ સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ ફરાર થઈ ગયા હોવાથી પોલીસે તેઓ ને ઝડપી પાડવા કવાયત તેજ બનાવી દીધી છે.દહેજ ના સરપંચ અને ડે. સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા દહેજ નગર ખાતે ચૌરે ને ચૌટે ગેસ લાગવથી મોત અને ગ્રામપંચાયત ના સત્તાધીશો વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદ ની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

રમીલાબેન ના ગંભીર આક્ષેપો..!!

સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતારનાર સરપંચ તથા ડે. સરપંચ પતિ જ મોત માટે જવાબદાર 

દહેજ પોલીસ મથકે પોતાના પતિ અનિપભાઈ તેમજ અન્ય બે સફાઈ કામદારો ના મોત માટે જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનાર રમીલા બેન અનિપ ભાઈ પરમારે પોતાના પતિ અનિપ ભાઈ તેમજ અન્ય બે યુવકો ગલસિંગ તેમજ પરેશ ના મોત માટે તેમણે દહેજ ગ્રામપંચાયત ના સરપંચ જયદીપસિંહ રામસિંહ રણા તેમજ ડે. સરપંચ પતિ મહેશ ભાઈ ગોહિલ ને જવાબદાર ઠેરવતા સનસનીખેજ આક્ષેપો કરતા હડકમ્પ મચી જવા પામ્યો છે. તેમણે ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ત્રણ મૃતક અને બે ઇજાગ્રસ્ત અનુસૂચિત જનજાતિના હોવાનું જાણતા હોવા છતાંય દહેજ ગ્રામ પંચાયત તાબે ની નવી નગરીમાં આવેલ આશરે ૨૦ જેટલી ઊંડી દુર્ગંધ મારતી ગટરમાં યુવકો ને કોઈપણ જાતના સુરક્ષા સાધનો વગર બેફિકરાઈ પૂર્વક ગફલતભર્યા નિર્ણય હેઠળ સાફ સફાઈ કરવા ઉતારવામાં આવ્યા હતા.જેને કારણે અમારા શ્રમિક પરિવાર ના સફાઈ કામદારો ના મોત થયા છે.અને આ ત્રણેવ કામદારો ના મોત માટે દહેજ ગ્રામપંચાયત ના સરપંચ અને ડે. સરપંચ જ જવાબદાર હોવાના બેધડક આક્ષેપો કરતા દહેજ સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં સનસનાટી ફેલાઈ જવા પામી છે.

ફરજ અને કાર્યોમાં બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવનાર દહેજના તલાટી રજની મનાતને સસ્પેન્ડ કરાયા.

દહેજ ખાતે ગટરમાં સાફ સફાઈ અર્થે ઉતરેલા ત્રણ શ્રમિકો ના મોત ની ઘટના ને તંત્ર દ્વારા ગંભીરતા થી લઇ ને તાત્કાલિક અસર થી દહેજના તલાટી રજનીકાંત સવજીભાઈ મનાત ને સસ્પેન્ડ કરી દેવામાં આવતા દહેજ નગર સહિત તલાટી આલમમાં સોપો પડી જવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર શ્રી દ્વારા ધી પ્રોહીબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ રિહેબીલીટેશન એક્ટ-૨૦૧૩ ના અસરકારક અમલીકરણ માટે વખતો વખત સૂચનાઓ આપવામાં આવેલ છે.તેમજ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે પણ મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-૨૦૧૩ નું જવાબદારી પૂર્વક  અસરકારક અમલ કરવા માટે સૂચનો કરેલ છે.તદ ઉપરાંત સદર બાબતોએ તલાટી કમ મંત્રી ની ફરજો નક્કી કરવામાં આવેલ છે.જેનું અવલોકન કરતા પંચાયત ના સચિવ તરીકે ની જવાબદારી તેમજ ફરજ નિભાવવા માં તલાટી કમ મંત્રી રજની મનાત નિષફળ ગયા છે.બનાવની ગંભીરતા તેમજ  સરકાર શ્રી ને થયેલ ગંભીર આર્થિક નુકશાન જોતા તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દહેજના તલાટી કમ મંત્રી રજનીકાંત સવજીભાઈ મનાત ફરજો અને કર્યો બજાવવા માં બેદરકારી,નિષ્ક્રિયતા અને શિથિલતા તેમજ ગફલત દાખવેલ હોવાનું ફલિત થતા તેઓને ફરજ મોકૂફ કરવાનો હુકમ ભરૂચ જિલ્લા પંચાયત ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એ.વી.ડાંગી દ્વારા કરવામાં આવ્યો છે.દહેજ ગ્રામ પંચાયતના તલાટી વાગરા તલાટી મંડળમાં મોભા નું સ્થાન ધરાવતા હતા.જેઓ સસ્પેન્ડ થતા વાગરા તલાટી મંડળ માં પણ સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.