AnandToday
AnandToday
Friday, 30 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

પશુઓમાં જોવા મળેલ ગ્લેન્ડર રોગને ધ્યાને લઈ

ઉમરેઠ તાલુકામાં ગદર્ભ, ખચ્ચર કે અશ્વોની હેરફેર પર પ્રતિબંધ

આણંદ- 

 અશ્વ કુળના પ્રાણીઓ જેવા કે ગર્દભ, અશ્વ કે ખચ્ચર વગેરે પશુઓને બેક્ટેરીયલ(જીવાણું) ઇન્ફેકશન ના કારણે ‘ગ્લેન્ડર’ રોગ થાય છે., જેમાં બેકટેરીયલ ઇફેક્શનના લીધે પશુઓને શ્વાસ લેવામાં તકલીફ થવી, વધારે તાવ આવવો અને ચામડી ઉપર ચાંદા પડી જવા એવા લક્ષણો જોવા મળી આવે છે. ગ્લેન્ડર રોગ “ઝુનોટીક" પ્રકારનો એટલે કે ‘પશુઓથી માનવમાં અને માનવમાં થી પશુઓમાં થઇ શકે’ તે પ્રકારનો હોઇ તે અંગે નિયમાનુસાર સાવચેતીના પગલા ભરવા જરૂરી હોઇ તાત્કાલિક અસરથી ત્રણ માસ માટે ઉમરેઠ તાલુકામાં ગદર્ભ, ખચ્ચર કે અશ્વો ને લાવવા કે બહાર લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉલ્લેખ કરવો જરૂરી છે કે આણંદ પશુદવાખાના દ્વારા સારવાર આપવામાં આવેલ ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના સીમ વિસ્તારના એક અશ્વમા ગ્લેંડર રોગના શંકાસ્પદ ચિન્હો જણાતા આ અશ્વના લોહીના સેમ્પલ ભારત સરકારની અધિકૃત લેબોરેટરીમાં મોકલવામા આવ્યા હતા. આ સેમ્પલના પૃથ્થકરણ કર્યા બાદ શંકાસ્પદ જણાયેલ અશ્વ ગ્લેંડર રોગથી પોઝીટીવ થયા હોવાનુ જણાઇ આવતાં રોગગ્રસ્ત અશ્વના રહેણાંક વિસ્તારને જંતુમુકત કરવામાં આવ્યું છે.

તાલુકા પશુચિકિત્સા અધિકારી દ્વારા તકેદારીના પગલારૂપે ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામને ગ્લેન્ડર રોગ માટે અસરગ્રસ્ત જાહેર કરવાની સાથે ગામના સમગ્ર પાંચ કિ.મી. ની ત્રિજયામાં આવેલ તમામ ગર્દભ, અશ્વ અને ખચ્ચરના લોહીના નમુના લેવા માટેની કામગીરી પણ પશુપાલન વિભાગ દ્વારા કરવામા આવી રહી હોવાનું આણંદ જિલ્લા નાયબ પશુપાલન નિયામકે એક યાદી દ્વારા જણાવેલ છે. 

***********