AnandToday
AnandToday
Friday, 06 Nov 2026 00:00 am
AnandToday

AnandToday

ડાકોર રેલવે સ્ટેશનના યાર્ડમાં માલગાડીની અડફેટે 64 વર્ષીય આધેડનું મોત

અપ લાઇન પર માલગાડીની અડફેટે આવતા ગંભીર ઇજાઓને પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી


ડાકોર | આણંદ ટુડે
ડાકોર રેલવે સ્ટેશનના યાર્ડ વિસ્તારમાં અપ લાઇન પર માલગાડીની અડફેટે આવી જતાં 64 વર્ષીય આધેડનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રેલવે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે સમડા વાળું ફળિયું વિસ્તારમાં રહેતા શૈલેશભાઈ રમણભાઈ રામી (ઉં.વ. 64) તા. 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે આશરે 12:45 કલાકે ડાકોર રેલવે સ્ટેશનના યાર્ડ વિસ્તારમાં અપ લાઇન પર માલગાડીની અડફેટે આવી ગયા હતા. ટ્રેનની અડફેટે આવતાં તેઓ રન ઓવર થયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 34/2026 અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી હતી. મૃતદેહને ડાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ શૈલેષભાઈ રામી પંચપીરની દરગાહે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.આ પંચપીરની દરગાહે દર્શન કરવા જવું શૈલેષભાઈના જીવનનો એક ભાગ હતો. દર્શનાર્થે જવાના માર્ગમાં આવેલા રેલવે ટ્ટેકને ઓળંગતી વખતે તેઓ માલગાડીની અડફેટે આવી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં તેમનું કરુણ અવસાન થયું હતું.


પોલીસ કાર્યવાહી દરમિયાન મૃતકના વારસદારો મળી આવતાં તા. 5 નવેમ્બરના રોજ મૃતદેહ અંતિમવિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહનો કબજો સ્વીકારી લીધો હતો. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.