
આણંદ ટુડે | વાસદ
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આગામી ૬થી ૧૩ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન વાસદ, જેતપુર, અમદાવાદ અને પાટણ ખાતે વિવિધ આધ્યાત્મિક, ધાર્મિક અને જ્ઞાનસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુદેવના આગમનને લઈને ગુજરાતભરના ભક્તો અને અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવાળીના પાવન પર્વ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમોમાં વૈદિક અનુષ્ઠાનો, હોમ, પૂજા, સત્સંગ અને વિશેષ જ્ઞાનસત્રો દ્વારા આધ્યાત્મિક જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોનો સંદેશ આપવામાં આવશે.
વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમ ખાતે ૬થી ૧૨ નવેમ્બર દરમિયાન 'ગુરુ સાનિધ્ય' કાર્યક્રમ યોજાશે. જેમાં સ્પિરિચ્યુઅલ સોજર્ન જ્ઞાનસત્ર, અષ્ટલક્ષ્મી હોમ, રુદ્ર પૂજા, ગણપતિ હોમ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સહિતના પવિત્ર અનુષ્ઠાનો યોજાશે. આ ઉપરાંત પ્રોજેક્ટ ભારત અંતર્ગત યુવાચાર્યો, YLTP પ્રતિનિધિઓ, ગ્રામીણ શિક્ષકો અને સ્વયંસેવકોની વિશેષ બેઠક યોજાશે.
બાળકો અને કિશોરો માટે એકાગ્રતા, આત્મવિશ્વાસ તથા આંતરિક ક્ષમતાના વિકાસના હેતુથી 'ઇન્ટ્યુશન ફેસ્ટ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ૬થી ૧૨ નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે ૬:૩૦ કલાકે ગુરુદેવની ઉપસ્થિતિમાં સત્સંગ યોજાશે, જેમાં જાહેર જનતાને પણ દર્શન અને સત્સંગનો લાભ મળશે.
જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ૮ નવેમ્બરના રોજ મહાલક્ષ્મી હોમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૈદિક અનુષ્ઠાનમાં સમૃદ્ધિ, સુખાકારી અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.
૧૨ નવેમ્બરના રોજ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે 'બિયોન્ડ નોલેજ' વિષય પર વિશેષ જ્ઞાનસત્ર યોજાશે. જેમાં ગુરુદેવ જ્ઞાન, ચેતના, જીવનની સમજ અને આંતરિક વિકાસ જેવા વિષયો પર માર્ગદર્શન આપશે.
ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં ૧૩ નવેમ્બરના રોજ પાટણના NGES કેમ્પસ (કોલેજ ગ્રાઉન્ડ) ખાતે ગુરુદેવના સાનિધ્યમાં દેવી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુષ્ઠાનમાં વૈદિક પરંપરા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સમન્વય જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશ્વભરમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા અને માનવીય મૂલ્યોના પ્રસાર દ્વારા વ્યક્તિ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગુરુદેવની આ ગુજરાત મુલાકાત શાંતિ, સામાજિક સૌહાર્દ, સકારાત્મકતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ વધુ વ્યાપક બનાવશે.
આ તમામ કાર્યક્રમોમાં જાહેર જનતા ભાગ લઈ શકશે. આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા લોકોને આ દિવ્ય ઉત્સવમાં સહભાગી બની ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં દિવાળી અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.