AnandToday
AnandToday
Wednesday, 17 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રીહરિનાં ૨૪૩ મા જન્મોત્સવ નિમિત્તે અભિષેક,અન્નકૂટ સંપન્ન.

ચૈત્રી સમૈયા અંતર્ગત શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ

હજારો હરિભક્તોએ અભિષેક,અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી

આણંદ ટુડે
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે બુધવારે રામનવમીના રોજ શ્રીહરિના ૨૪૩ મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રીહરિકૃષ્ણ મહારાજ સહિત મંદિરમાં બિરાજમાન દેવોનો કેસર, ચંદન તથા પંચામૃતથી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા બન્ને લાલજી મહારાજશ્રીના હસ્તે સવારે અભિષેક યોજાયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન, મુખ્ય કોઠારી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી એવં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અભિષેકવિધિ પૂર્ણ થયા બાદ આચાર્ય મહારાજ તથા બંન્ને લાલજી મહારાજે દેવોની આરતી ઉતારી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજ ધ્વારા સમગ્ર યજમાન પરિવારનું પુષ્પહાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
દરમ્યાન બપોરે ૧૧:૩૦ કલાકે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની અન્નકૂટ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ચૈત્રી સમૈયામાં પધારેલા હજારો હરિભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.
દરમ્યાન આચાર્ય મહારાજશ્રી, મુખય કોઠારી ડૉ.સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી તથા અગ્રણી સંતો તથા યજમાન પરિવારે કથામંડપનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સભામંડપમાં આચાર્ય મહારાજશ્રી, ડૉ.સંત સ્વામી, શા.નૌતમપ્રકાશદાસજી, કથાના વક્તા શા.નારાયણચરણદાસજી સ્વામી, પ્રિયાંગભાઈ પટેલ સહિત અન્ય સંતોએ દીપ પ્રાગટઢય કર્યું હતું અને ડૉ.સંત સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિ શ્રીમદ્ ભાગવતનો વર્ષનાં એકવાર પઠન કરતા હતા. અને ભાગવતજીના પંચમસુંધ તથા દશમ સ્કંધનો શ્રીહરિના આશ્રિતોએ નિયમિત અભ્યાસ કરવો. ભગવાન શ્રીહરિએ વડતાલમાં પ્રબોધિની અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. જ્યારે સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, આજે રામનવમીના રોજ વડતાલ વિહારી શ્રીહરિકૃષ્ણ મહારાજનો ૨૪૩ નો જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. સવારે દેવોને આચાર્ય મહારાજશ્રીના હસ્તે અભિષેકવિધિ યોજાયો હતો. શ્રીહરિએ પોતે સાત દિવસીય ચૈત્રી સમૈયાનું આયોજન કરેલ છે. શ્રીજીને વડતાલધામ અતિપ્રિય હતું. શ્રીજીએ વડતાલધામમાં ૫૦ થી વધુ સમૈયા કર્યા હતા. આ ભગવાન શ્રી સ્વામિનારાયણની રમણભૂમી છે. શ્રીજીએ પોતે પ્રગટ પોતાના હાથે શ્રીહરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી હતી. ભગવાન શ્રીહરિ જે શ્રીમદ્ ભાગવત વાંચતા તે પ્રસાદીનો ગ્રંથ આપણી લાયબ્રેરીમાં છે.
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ચૈત્રી સમૈયામાં પધારેલ હરિભક્તોને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે તેઓને શ્રીમદ્ ભાગવત ગ્રંથ અતિપ્રિય હતો. તેનું વર્ષમાં એકવાર દરેક આશ્રિતોએ વર્ષમાં એકવાર વાંચવો જોઈએ. અને વાંચતા ન આવડે તેઓએ અવશ્ય શ્રવણ કરવું જોઈએ. અને શ્રીજીના વચનમાં જે આશ્રિત દૃઢ રહે તેનો સત્સંગ દૃઢ રહ્યો સમજવું. મહારાજે (શ્રીહરિએ) દરેક ભક્તોના કલ્યાણ અર્થે સત્સંગ સ્થાપ્યો છે. અને શ્રીહરિની કૃપા દ્રષ્ટિ પોતાના સત્સંગીઓ પર અવિરત વર્ષાયા કરે તેવી પ્રાર્થના કરી હતી.