AnandToday
AnandToday
Wednesday, 20 Sep 2023 00:00 am
AnandToday

AnandToday

બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામો ખાતે ૧૯ પશુઓનું પોસ્ટમોર્ટમ કરાયું

૧૮ પશુઓને સારવાર આપવામાં આવી,૬ ટીમો દ્વારા પશુઓના સર્વે કામગીરી ચાલુ

આણંદ ટુડે 
બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ પાણીનો પ્રવાહ વધી જતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદે પગલા લઈને માનવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

જિલ્લા કલેકટર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન અને સૂચના મુજબ પાણીનો પ્રવાહ ધીરે ધીરે ઓસરતા પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પશુઓને સારવાર આપવા માટે અને મૃત પશુઓ શોધીને તેનું પોસ્ટમોર્ટમ કરવા માટે ૬ જેટલી ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

નાયબ પશુપાલન નિયામક શ્રી  ડોક્ટર એસ. બી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે  અસરગ્રસ્ત ગામો ખાતે હાલમાં વેટરનરી ઓફિસર અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ટીમ સ્થળ ઉપર જ પોસ્ટમોર્ટમ કરી રહી છે. જે ગામો ખાતે હજી પાણી ઉતર્યા નથી તેવા વિસ્તારોમાં પણ પશુપાલન વિભાગની ટીમ પાણીમાં જઈને પણ મૃત પશુઓ શોધવાની કામગીરી કરી રહી છે. ભાઠા વિસ્તારમાં પશુઓ બાંધ્યા હોય તે પશુઓ ભારે પાણીમાંથી બહાર ન આવી શકતા  તેવા ૧૯ જેટલા પશુ મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. જે તમામ પશુઓના પોસ્ટમોર્ટમ સ્થળ ઉપર જ કરવામાં આવ્યા છે. 

શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું કે આ ટીમો દ્વારા બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે પશુઓના આરોગ્યને ધ્યાને લઇ સારવાર આપવાના થતા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંભીરા, બામણગામ, ચમારા, સંખ્યાડ, આમરોલ, કહાનવાડી, સારોલ, ગાજણા, કોઠીયાખાંડ, નાની શેરડી, દહેવાણ, કંકાપુરા, વાલવોડ અને બદલપુર ખાતે પશુપાલન વિભાગની ટીમ દ્વારા સર્વે કામગીરી હાલમાં ચાલુ જ છે  તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

નોંધ- સમાચારમાં આપેલ તસવીર પ્રતિકાત્મક છે
******