AnandToday
AnandToday
Sunday, 27 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં બેંક ઓફ બરોડાના જિલ્લા અને તાલુકા મથકો ખાતે આધાર સેવા કેન્દ્ર કાર્યરત

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના જિલ્લાના મુખ્ય મથકો ખાતે આધારકાર્ડ અપડેટ કરાવી શકાશે

આણંદ, સોમવાર

આધાર કાર્ડ અપડેટ કરાવવું અને નવા કરાવેલા આધારકાર્ડમાં ક્ષતિ હોય તો તેમાં સુધારા વધારા કરાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે આજના સમયમાં દરેક કામગીરી માટે આધારકાર્ડ ખૂબ જ મહત્વના દસ્તાવેજ તરીકે ઉપયોગી બની ગયું છે. 

આણંદ જિલ્લામાં નવા આધાર કાર્ડ કાઢવા, અપડેટ કરવા કે આધારકાર્ડમાં જરૂરી સુધારા વધારા કરાવવા માટે જિલ્લામાં વિવિધ બેન્કોની શાખાઓ ખાતે પણ આધાર સેવા કેન્દ્ર કાર્યરત છે. જિલ્લામાં બેન્ક ઓફ બરોડાની આઠ શાખાઓ ખાતે આધાર સેવા કેન્દ્ર કાર્યરત છે. જ્યાંથી નાગરિકો પોતાના આધાર કાર્ડ સંબંધિત કામગીરી સરળતાથી કરાવી શકે છે. 

બેંક ઓફ બરોડાની આધાર સંબંધિત સેવાઓ આપતી કુલ આઠ શાખાઓમાં બેંક ઓફ બરોડા આણંદ મેઇન બ્રાન્ચ, ખંભાત મેઈન બ્રાન્ચ, પેટલાદ, બોરસદ, તારાપુર, ઉમરેઠ, સોજીત્રા અને આંકલાવ તાલુકા મથક ખાતે આધાર સેવા કેન્દ્ર કાર્યરત છે. 

એ જ રીતે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની આણંદ ખાતેની મુખ્ય શાખા તથા અમુલ ડેરી રોડ ખાતેની શાખા ખાતે પણ આધાર સેવા કેન્દ્ર કાર્યરત છે. તે ઉપરાંત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની આણંદ સ્થિત મુખ્ય શાખા તેમજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની આણંદમાં આવેલી મુખ્ય શાખા ખાતે પણ આધારકાર્ડ અંગેની કામગીરી કરવામાં આવે છે. આણંદ જિલ્લાના નગરજનો બેંક ખાતે કાર્યરત આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈ આધારકાર્ડ સંબંધિત દરેક કામગીરી સરળતાથી કરાવી શકે છે તેમ લીડ બેંક મેનેજરશ્રી ડૉ. અભિષેક પરમારએ એક યાદીમાં જણાવ્યું છે.

*******