AnandToday
AnandToday
Sunday, 22 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં હાથીપગો રોગ સામે સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ચાલી રહેલી નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરી

હાથીપગો રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે ૮ થી ૧૨ ના સમયગાળામાં લોહીના નમૂના લઈ ચકાસણી કરવામાં આવે છે 


આણંદ, 
આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા મેલેરીયા અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે હાથીપગો (ફાઇલેરીયા) એ લીમફએટિક ફાઇલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે. જે સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ ૬ થી ૮ વર્ષ બાદ હાથ-પગ સૂજી જવા, લસીકા ગ્રંથીઓ ફૂલી જવી અથવા હાઈડ્રોસીલ જેવા લક્ષણો જોવા મળે છે, જે શરીરના કોઈ પણ અંગને અસર કરે છે. આ રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે ૮ થી ૧૨ ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપી ચેપ ફેલાતો અટકાવી શકાય છે.

આણંદ જિલ્લામાં ૧૮૭૪ લોહીના નમૂના લેવામાં આવ્યા , જે પૈકી એક પણ પોઝીટીવ રિપોર્ટ આવેલ નથી

જેને ધ્યાને લઈ રાજ્ય સરકારની સુચના અન્વયે આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મેઘા મહેતાના અને ઇન્ચાર્જ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તા. ૧૫ જાન્યુઆરીથી નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં આણંદ તાલુકામાંથી ૩૧૮, ખંભાત તાલુકામાંથી ૨૮૨, બોરસદ તાલુકામાંથી ૩૯૪, ઉમરેઠ તાલુકામાંથી ૩૨૩, આંકલાવ તાલુકામાંથી ૧૦૦, સોજીત્રા તાલુકામાંથી ૨૪૦ અને તારાપુર તાલુકામાંથી ૨૧૭ એમ કુલ મળી ૧૮૭૪ લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જે પૈકી એક પણ પોઝીટીવ રિપોર્ટ આવેલ નથી, તેમજ આ કામગીરી ૩૧ જાન્યુઆરી સુધી કરવામાં આવશે. 

રોગનો ફેલાવો કરતાં માદા ક્યુલેકસ મચ્છરો ગંદા પાણીમાં પેદા થાય છે 

આ યાદીમાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ રોગનો ફેલાવો કરતાં માદા ક્યુલેકસ મચ્છરો ગંદા પાણીમાં જ પેદા થતાં હોવાથી જાહેર જનતાને તેમની આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી જમા ન થવા દેવા, તેમજ મચ્છર કરડે નહી તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવા ઉપરાંત હાલ બાકરોલ, વેરખાડી, ઉમરેઠ, સુંદલપુરા, બોરસદ, બોચાસણ, આંકલાવ, બામણગામ, પેટલાદ, સિમરડા, સોજીત્રા, દેવા-તળપદ, ખંભાત (લાલ દરવાજા), કલમસર, તારાપુર તેમજ ખડામાં ચાલી રહેલી લોહી ચકસણીની કામગીરીનો લોકોને વધુમાં વધુ લાભ લેવા વધુમાં જણાવાયું છે.
*****