આણંદ
કેન્દ્ર અને રાજ્યની સરકાર નાગરીકોની સુખાકારીને માટે સતત કાર્યરત રહે છે અને નાગરીકોના કલ્યાણ માટે મહત્વપપૂર્ણ નિર્ણયો અમલમાં મૂકી રહી છે.
જેના ભાગરૂપે તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવીને રેશનકાર્ડ ધારક કુટુંબો/ પરિવારોને ઘઉં અને ચોખાનું વર્ષ-૨૦૨૩ જાન્યુઆરીથી પ્રારંભ કરીને ડિસેમ્બર મહિનાના અંત સુધી વિનામૂલ્યે વિતરણ કરવાનો પ્રજાલક્ષી ઐતિહાસીક નિર્ણય અમલી બનાવ્યો છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યના ૭૧ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની ૩.૪૭ કરોડની જનસંખ્યાને તેનો સીધો લાભ પ્રાપ્ત થશે જેમાં આણંદ જિલ્લાના ૨ લાખ ૬૬ હજારથી પણ વધુ રેશનકાર્ડ ધરાવતાં કુટુંબો/ પરિવારોની લગભગ ૧૩.૯૨ લાખ કરતાં પણ વધુ જનસંખ્યાને આ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
એન.એફ.એસ.એ. હેઠળ જિલ્લાના તમામ લાભાર્થીઓને જાન્યુઆરી મહિનામાં તા.૩૧ મી સુધીમાં અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ ૧૫ કિ.ગ્રા ઘઉંનું અને ૨૦ કિ.ગ્રા. ચોખાનું જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૨ કિ.ગ્રા. ઘઉંનું અને ૩ કિ.ગ્રા. ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.
વન નેશન વન રેશનકાર્ડ યોજનાના અમલીકરણના લીધે દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઇપણ ગામ કે શહેરમાંથી એન.એફ.એસ.એ. રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતાં હોય તેવા લાભાર્થીઓ સમગ્ર રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા/આંગળીનો ઉપયોગ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને સમગ્ર વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા) મેળવી શકે તેવી સુચારૂ વ્યવસ્થા ઘડી કાઢવામાં આવી છે
. તદ્ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તમામ લાભાર્થીઓને જાન્યુઆરી મહિના દરમિયાન અન્ય આવશ્યક ચીજવસ્તુઓ જેમકે, તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠું રાહત દરે મળવાપાત્ર રહેશે. જે અન્વ્યે જાન્યુઆરી મહિનામાં અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. તુવેરદાળ ૫૦ રૂપીયા પ્રતિ કિ.ગ્રા., ૧ કિ.ગ્રા. ચણા ૩૦ રૂપીયા પ્રતિ કિ.ગ્રા. અને ૧ કિ.ગ્રા. મીઠું ૧ રૂપીયા પ્રતિ કિ.ગ્રા. ના ભાવે મળવાપાત્ર રહેશે. જ્યારે અંત્યોદય કુટુંબોને ખાંડ ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા અને ૩થી વધુ વ્યક્તિના કુટુંબોને વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ એ ૧૫ રૂપીયા પ્રતિ કિ.ગ્રા. ના ભાવે વિતરણ કરાશે. જ્યારે બીપીએલ કુટુંબોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ ૨૨ રૂપીયા પ્રતિ કિ.ગ્રા. ના ભાવે મળવાપાત્ર રહેશે એમ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયુ છે.
*********