આણંદ
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૯માં દિક્ષાંત સમારોહ અર્થે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ યુનિવર્સિટી ખાતે પધાર્યા હતા. દીક્ષાંત સમારોહ કાર્યક્રમની પૂર્વે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી.
જેમાં તેમણે શાકભાજીની વિવિધ જાતો અને તેની ઉત્પાદન ગુણવત્તાની જાત ચકાસણી કરી તેના વાવેતરથી લઈને કેટલો સમય લાગે ત્યાં સુધીની તમામ માહિતી આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડૉ. કે. બી. કથીરિયા અને યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંશોધન વિભાગના પ્રાધ્યાપકો તથા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવી હતી.
મંત્રીશ્રી એ લીધેલ આ મુલાકાતમાં તેમણે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રના રીંગણ અને ટામેટાંના વિવિધ બિયારણની ઉત્પાદકતા અને વિવિધ જાત વિશે માહિતી મેળવી અને તે સિવાયની શાકભાજીના બિયારણની ઉત્પાદકતા અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ત્યારબાદ શ્રી રાઘવજીભાઈ પટેલે યુનિવર્સીટીમાં આવેલ હોર્ટીકલ્ચર અને ટીસ્યુકલ્ચર પ્લાન્ટની મુલાકાત લઈ બન્ને જગ્યાઓની કામગીરીની પદ્ધતિ તથા કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાની સાથે ઉભા થતા લાભ અને પડકારો અંગે ચર્ચા કરી ઉપયોગી માહિતી મેળવી હતી
********