AnandToday
AnandToday
Tuesday, 17 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

વાસદ મહિસાગર માતાજીના મંદિરે રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન

તા.૨૦ જાન્યુ. થી તા. ૨૩ જાન્યુ. સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે

ભવ્ય શતચંડી યજ્ઞ, રજાબાપાની મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના ઉપરાંત મહિસાગર માતાજીના નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું પણ ઉદ્ઘાટન કરાશે

આણંદ 
વાસદના સુપ્રસિદ્ધ મહિસાગર માતાજીના મંદિરે ભવ્ય શતચંડી યજ્ઞ તથા રજાબાપાની મૂર્તિની સ્થાપના તથા રજત જયંતિ મહોત્સવનું તા. ૨૦/૦૧/૨૦૨૩ થી મહિ બીજના પાવન પર્વ તા. ૨૩/૦૧/૨૦૨૩ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

આ અંગે વિગતો આપતા મહિસાગર માતાજીના ભુવાજી શ્રી વિષ્ણુભાઈ રબારીએ જણાવ્યું કે, પુણ્યસલિલા મહિસાગર નદીના સાંનિધ્યમાં વાસદની પાવન ધરા પર મહિસાગર માતાજીના મંદિરે તા. ૨૦/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે માતાજીની ચોરાસી તથા મહિસાગર માતાજીના નવનિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તા. ૨૧/૦૧/૨૦૨૩ સવારે ૯:૦૦ કલાકે શતચંડી યજ્ઞ પ્રારંભ તથા સવારે ૧૦ કલાકે પૂજ્ય રજાબાપાની મૂર્તિની શોભાયાત્રા નીકળશે. જે વાસદ ગામથી મહિસાગર નદી તટ સુધી લઈ જઈ બાપાની મૂર્તિનો જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ નિજમંદિરે યજ્ઞ મંડપમાં લાવવામાં આવશે. 

તા. ૨૨/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે સંતો-મહંતો અને ભુવાજીઓનું સન્માન કરવામાં આવશે. રાત્રે ૬ કલાકે પુણ્યસલિલા મહિસાગર નદીના તટે માતાજીની ભવ્ય સંધ્યા આરતી યોજાશે. ત્યારબાદ રાત્રે ૯ કલાકે રામદેવ પીરનો ૩૩ જ્યોતનો પાઠ કરવામાં આવશે. તા. ૨૩/૦૧/૨૦૨૩ ના રોજ પૂજ્ય ભુવાજીશ્રી રજાબાપાની મૂર્તિની સ્થાપના નિજમંદિરમાં કરવામાં આવશે. ત્યારબાદ મહિસાગર માતાજીના મંદિરે ધજારોહણ અને રજાબાપાની મૂર્તિને સોના-ચાંદીથી નિર્મિત પાઘડી પહેરાવવામાં આવશે. શતચંડી યજ્ઞની સાંજે ૪:૧૫ કલાકે પૂર્ણાહૂતિ થશે. 

ભુવાજી શ્રી વિષ્ણુભાઈ રબારીએ  જણાવ્યું છે કે. આ પાવન કાર્યમાં દાતાઓનો પણ પ્રશસ્ય સહયોગ સાંપડ્યો છે. આ પાવન પ્રસંગે દૂધરેજ વડવાળા ગુરુ ગાદીના પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ, વાળીનાથના શ્રી જયરામ ગિરિ મહારાજ, જગન્નાથ મંદિર અમદાવાદના મહંત શ્રી દિલિપદાસજી મહારાજ, દૂધઈ ધામના રામબાલકદાસ બાપુ, ઝાક મંદિરના ગણેશદાસજી મહારાજ, ચણવાડા ગામના શ્રી માનસરોવરદાસજી સહિતના સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. 

સમસ્ત નાત વિહોતર અને માઈ ભક્તોને માઁ મહિસાગરના આ ભવ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભુવાજી શ્રી વિષ્ણુભાઈ રબારીએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
****