આણંદ
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનો ૧૯મો પદવીદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી તા. ૧૯/૦૧/૨૦૨૩ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાશે.
આ પદવીદાન સમારોહના અતિથિ વિશેષ પદે રાજ્યના કૃષિ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ જ્યારે મુખ્ય મહેમાનપદે નવી દિલ્હી આઇ.એ.આર.આઇ. ના ભૂતપૂર્વ નિયામકશ્રી ડૉ. એસ.એ.પાટીલ ઉપસ્થિત રહી પદવીધારકોને દીક્ષાંત પ્રવચન આપશે.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ યુનિવર્સિટીની કામગીરી અને સિધ્ધિઓની વિગતો રજૂ કરી સ્વાગત પ્રવચન કરશે.
આ પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી, બીઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૬૨૯ વિદ્યાર્થીઓને પદવી તથા ૩૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૫૮ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જયારે કૃષિ યુનિવર્સિટીના સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને બેસ્ટ સાયન્ટીસ્ટ, બેસ્ટ એકસટેન્શન વર્કર અને બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહનું જીવંત પ્રસારણ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in કરવામાં આવનાર છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૯મા પદવીદાન સમારોહની સફળતા માટે આણંદ કૃષિ યુનિવર્સટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કુલસચિવશ્રી અને તેમની ટીમ તથા યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
*******