AnandToday
AnandToday
Wednesday, 11 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ

આણંદ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

વાલીઓ વધુ જવાબદાર બની બાળકોને વાહન આપે - આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવી

વાહનોનુ વેચાણ કરતા ડિલર્સને શો-રૂમમાં રોડ સેફ્ટી અંગે જાગૃતતાનો પ્રસાર કરતી ફિલ્મ બતાવી જાગૃતિ ફેલાવવાનો અનુરોધ કરતા કલેક્ટરશ્રી

આણંદ જિલ્લામાં એક અઠવાડિયા સુધી ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે


આણંદ, 
આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સપ્તાહના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી કમીટીની બેઠક મળી હતી.

આ બેઠકમા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લોકો જીવ ગુમાવે છે. જેનાથી તેમના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેના પરિણામે આર્થિક અને સામાજિક નૂકસાન પણ થતું હોય છે. જેથી નાગરિકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવો ખૂબ જ આવશ્યક છે. આ હેતુથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવાનો છે, જેથી વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય, તેમ જણાવી સરકાર માર્ગ સલામતી બાબતે ખૂબ જ ગંભીર છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે અનેક આગોતરા આયોજનો કરી રહી છે, ત્યારે આવા સંજોગોમાં જો આજથી જ જાગૃત નહી બનીએ તો ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમ ઉમેર્યું હતું.

કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવા તેમજ જીવન સુરક્ષાનો મંત્ર અપનાવી વાહન ચાલકોને રાષ્ટ્રભાવના સાથે ડ્રાઈવિંગ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે શાળા કે કોલેજમાં જતા અપુખ્ત વયના બાળકોને વાહન ન આપવાની વાલીઓને અપીલ કરી હતી, તેમજ વાહનોનું વેચાણ કરતા ડીલર્સને પોતાના શોરૂમમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવતી ફિલ્મો બતાવવાનો આગ્રહ કર્યો હતો.

માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત નવા મોટર વિહિકલ્સ એક્ટ ૨૦૧૯ના કાયદા વિશે સમજ/જનજાગૃતિ, સીટ બેલ્ટ તથા હેલ્મેટ બાબતે જાગૃતતા કેમ્પેઈન, પી.યુ.સી, વીમો અને રિફ્લેક્ટિવ ટેપની જાગૃતિ બાબતે કેમ્પેઈન, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને લેન ડ્રાઇવિંગ, મોબાઈલ બાબતે જનજાગૃતિ, હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતે જનજાગૃતિ કેમ્પેઈન, મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન, ૨૦૧૭ મુજબ લેન ડ્રાઇવિંગ બાબતે જાગૃતિ, રોડસેફટી સબંધિત શેરી નાટકો દ્વારા જનજાગૃતિ, ગ્રામ્ય કક્ષાએ શાળાઓમાં રોડ સેફ્ટી મેળાઓનું આયોજન, સ્પીડ ગવર્નર ડિવાઇસની ઉપયોગીતા બાબતે ચેકિંગ અને વાહન માલિક અને ચાલકોમાં સમજ, શાળા અને કોલેજોમાં નિષ્ણાતો દ્વારા માર્ગ સલામતી સેમિનાર, સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવતા બાબતના કાયદાની સમજ, રોડ સેફટીના મેસેજ દર્શાવતી પતંગનું વિતરણ, આરટીઓ ખાતે આંખ તથા આરોગ્યની ચકાસણીનો કેમ્પ, શાળા અને કોલેજોમાં માર્ગ સલામતી બાબતે ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝનું આયોજન, માર્ગ પરના દિશા સૂચક ચિન્હો બાબતે સમજ આપતા સેમિનાર, મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ટ્રેનરોને તેઓના એસોસિએશનના સહકારથી નિષ્ણાતો દ્વારા તાલીમ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન ફિટનેસ, રીયલ વ્યુ મિરર, મોબાઈલ ઉપયોગ તથા વાહનના દસ્તાવેજ બાબતે સમજ, સરકારી હોસ્પિટલની બ્લડ બેન્ક/રેડ ક્રોસના સહયોગથી રક્તદાન શિબિર, ડ્રાઇવર તાલીમ- ઇંધણ બચાવો બાબતે તકનીકી સમજ, ડ્રાઇવરની અન્ય રોડ ઉપભોક્તા પ્રત્યેની જવાબદારી વિશે સમજ જેવા વિવિધ જાગૃતતા કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું આણંદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું. 

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી પ્રવિણ કુમાર તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****