AnandToday
AnandToday
Tuesday, 10 Jan 2023 18:30 pm
AnandToday

AnandToday

નાણાં ધિરાણ અને વ્યાજ - વટાવ પ્રવૃત્તિઓ માટે જન જાગૃતિ લાવવા

નડિયાદ ખાતે જનસંપર્ક સભા-લોક દરબાર કાર્યક્રમ યોજાયો

વ્યાજખોરીના પીડિતોને નિસંકોચ ફરિયાદ કરવા અમદાવાદ પોલીસ આઈજીશ્રીની અપીલ

અનધિકૃત વ્યાજખોરી સામે કડક કાર્યવાહીની ખાતરી આપતા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢીયા

જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ ક્રેડિટ સોસાયટી દ્વારા નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવા  અપીલ કરી

ઊપસ્થિત અરજદારોના વ્યાજ - વટાવ પ્રવૃત્તિના વિવિધ પ્રશ્નોની રજૂઆતને સાંભળવામાં આવી અને નિશ્ચિત સમય મર્યાદામાં આ પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી

 

નડિયાદ

ગુજરાત નાણાં ધિરનાર અધિનિયમ -૨૦૧૧ અન્વયે વ્યાજખોરી વિરૂદ્ધ જનજાગૃતિ લાવવા સારું ખેડા જિલ્લા પોલીસ દ્વારા અમદાવાદ પોલીસ આઇજીપી શ્રી ચંદ્રસેકરની મુખ્ય ઉપસ્થિતિમાં જનસંપર્ક સભા - લોક દરબાર કાર્યક્રમ ઇપકોવાલા હોલ નડિયાદ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના વિવિધ પ્રશ્નોને સાંભળી નાણાં ધિરાણ પ્રવૃતિઓ માટે કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક પરિબળોની મુક્ત ચર્ચા કરવામાં આવી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા દ્વારા ગેરકાયદેસર વ્યાજ પ્રવૃત્તિઓ પર કકડ કાર્યવાહી કરવાની ખાતરી આપી. 

આ પ્રસંગે અમદાવાદ પોલીસ આઇજીપી શ્રી ચંદ્રસેકર દ્વારા વ્યાજખોરીનો ભોગ બનનાર લોકોને કોઈ પણ શેહ -સંકોચ વિના તેમની ફરિયાદોની યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા અપીલ કરવામાં આવી. આ બાબતે તેમણે સંબધિત પોલીસ અધિકારીઓને સક્રિયપણે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો. 

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયાએ ગુજરાત નાણાં ધિરનાર અધિનિયમ -૨૦૧૧ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ગેર કાયદેસર વ્યાજ પ્રવૃતિઓ વિશે ગંભીર છે અને સામન્ય વ્યક્તિ ખોટા વ્યાજના ચક્રોમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ ના કરી મૂકે તે હેતુથી સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શ્રી ગઢીયાએ ખોટી વ્યાજ પ્રવૃત્તિઓ પર કડક વલણ અપનાવી વ્યાજ પીડિતો ન્યાય અપાવવા વચન આપ્યું હતું. ઉપરાંત તેમણે લોકોને સરકાર માન્ય રજિસ્ટર્ડ વ્યક્તિઓ અને મંડળીઓ સાથે જ નાણાકીય વ્યવહારો કરવા અપીલ કરી હતી.

જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશિબહેન બ્રહ્મભટ્ટ દ્વારા વ્યાજ-વટાવ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી કાયદાકીય બાબતો જેમ કે નાણાં ધિરનારનું લાયસન્સ, સિક્યોર અને ઇનસિક્યોર ધિરાણ ઉપરનો નિયત વ્યાજ દર, નિયમો વિરુદ્ધ વ્યાજ વસૂલી ઉપર દંડની જોગવાઈ અને કોઓપરેટીવ મંડળીના સુચારુ ઉપયોગ સહિતની છણાવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત તેમણે ઊપસ્થિત તમામ લોકોને ક્રેડીટ સોસાયટી પ્રક્રિયા અંતર્ગત કોઈ પણ સહયોગ માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. 

આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગ હેલ્પડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. 

ઉલ્લેખનીય છે કે નડિયાદમાં શરૂ થયેલ વ્યાજખોરીની  ખાસ ડ્રાઈવ સંદર્ભે જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ૧૦ દિવસોમાં નડીયાદમાં ૩ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.  

જનસંપર્ક સભા - લોક દરબાર કાર્યક્રમમાં કેડીસીસી ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, નાણાં ધિરાણ પ્રવૃતિઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ, વવિધ બેન્કના પ્રતિનિધિઓ, જિલ્લાના નાના-મોટા વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.  

 

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦