આણંદ
ફરી એકવાર વિશ્વના કેટલાક દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ચીનમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ના કેસ નોંધાયા બાદ ભારતમાં તેના કેસ નોંધાવવાનું શરૂ થઈ ગયું છે. આણંદ શહેરમાં પણ ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે
આણંદ શહેરમાં મંગળવારના રોજ કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૨૦૧૯થી તા.૧૦મી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં ૧૦૧૫૬૦૮ વ્યકિતઓના કોવીડ -૧૯ ના ટેસ્ટ કરાયા હતાં . જેમાં ૯૯૯૫૭૪ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતાં . જયારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કુલ ૧૬૦૩૪ જેટલા વ્યક્તિઓ સંક્રમિત થયા હતા . જે પૈકી ૧૫૯૭૭ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી . આણંદ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫ જેટલા દર્દીઓના મોત થઇ ચુક્યા છે
આણંદ જિલ્લામાં આજે મંગળવારના રોજ કોરોનાનો બે પોઝિટિવ કેસ આણંદ શહેરમાં નોંધાતા હાલ આણંદ જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા ૦૨ થવા પામી છે. હાલ આ બંને દર્દીની હાલત સ્થિર છે.
આજે સમગ્ર જિલ્લામાં ૧૧૨ આરટીપીસીઆર ટેસ્ટ અને ૪૯ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.