આણંદ
વિશ્વવિખ્યાત આણંદ સ્થિત અમુલ ડેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી થઈ છે. તેમની સ્થાને જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોપવામાં આવ્યો છે. આમ આર એસ સોઢીના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં અમૂલના એમ ડી આર. એસ. સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી આર એસ સોઢીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું
GCMMFની પ્રગતિમાં સોઢીનો મહત્વનો ફાળો રહ્યો છે. હવે એકાએક તેમની હકાલપટ્ટી કરવામાં આવતા સહકારી ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં જ ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ સોઢીને ‘બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ’ એનાયત થયો હતો. સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ’ એનાયત થયો હતો.
જયેન મહેતા તાજેતરમાં GCMMFના COO તરીકે નિમાયા. આ પહેલા તેઓ ચીફ જનરલ મેનેજર પદે કાર્યરત હતા. જયેન મહેતા અમૂલ સાથે 31 વર્ષથી જોડાયેલા છે તેમજ આણંદ સ્થિત અમૂલ ડેરીના તેઓ ઈન્ચાર્જ MD પણ રહી ચુક્યા છે અને અનેક જિલ્લામાં તેઓ GCMMFના બોર્ડ ઓફ નોમિની તરીકે પણ કાર્યરત છે તેમણે ગ્રામીણ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને તેઓ એસ.પી.યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલીસ્ટ છે.