ચાંગા
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 12મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરીના રોજ શુક્રવારે સવારે 10 વાગે ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસમાં યોજાશે. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે અમેરિકાસ્થિત સફળ ટેકનોપ્રિનિયોર અને ઉદ્યોગપતિ શ્રી અશોક પટેલ દિક્ષાંત પ્રવચન આપશે. અધ્યક્ષસ્થાને ચારૂસેટ યુનિવર્સીટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અત્યાર સુધીમાં કુલ 11 પદવીદાન સમારંભમાં 311 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આગામી પદવીદાન સમારંભમાં 45 ગોલ્ડમેડલ સહિત કુલ 356 ગોલ્ડ મેડલ અર્થે 5.340 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સિદ્ધિ અને ગૌરવસમાન બાબત છે.
આ પદવીદાન સમારોહમાં કુલ 994 વિદ્યાર્થિનીઓ અને 1570 વિદ્યાર્થીઓ સહિત કુલ 2564 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર 40 તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં 23 વિદ્યાર્થિનીઓ અને 17 વિદ્યાર્થીઓ છે. જ્યારે 13 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ સહિત કુલ 27 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી થશે.
ફેકલ્ટી ઓફ ફાર્મસીના 156, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 214, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 296, ફેકલ્ટી ઓફ સાયન્સના 314, ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનમાં કુલ 425, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1159 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. જેમાં ડિપ્લોમા 42, પોસ્ટ ગ્રેજયુએટ 568, અંડર ગ્રેજયુએટ 1927 અને પી. એચ. ડી. 27 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.
શ્રી અશોક પટેલ હાલમાં યુ.એસ.એ. સ્થિત વિખ્યાત સિવિલ એન્જીનીયરીંગ કંપની વુડ, પટેલ એન્ડ અસોસિએટ્સ, ઈન્કના પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વુડ, પટેલ એન્ડ એસોસિએટ્સ ઇન્ક લેન્ડ એન્ડ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, સાઇટ ડેવલપમેન્ટ, અને સર્વેઇન્ગ અને મેપિંગ, વોટર રિસોર્સિસ, વેસ્ટ વોટર, ટ્રાન્સપોર્ટેશન, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ અને સ્ટ્રક્ચર્સ વગેરે સાથે સંકળાયેલા છે તેમજ વિશાળ અને જટિલ પ્રોજેક્ટ્સને સમયસર અને બજેટ મુજબ પૂર્ણ કરવાની પ્રતિષ્ઠા ધરાવે છે. એરિઝોના: ધ બેસ્ટ ઓફ એરિઝોના બિઝનેસમાં કંપનીને નંબર 1 સિવિલ એન્જિનિયરિંગ ફર્મ તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું હતું. તેમણે એરિઝોનાના ઈન્ડો-અમેરિકન કલ્ચરલ એન્ડ રિલિજિયસ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી તરીકે સેવા આપી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર અને સમાજ માટે મહત્વનું યોગદાન આપનાર મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને આદરણીય હસ્તીઓને આમંત્રિત કરવાની ચારૂસેટ યુનિવર્સીટીની આગવી પરંપરા અનુસાર પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દસમા અને આગિયારમા પદવીદાન સમારંભમાં અનુક્રમે ડો. અબ્દુલ કલામ, ડો. આર. એ. મશેલકર જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિક, શ્રી પંકજ પટેલ જેવા ખ્યાતનામ ઉદ્યોગપતિ, વિખ્યાત વૈજ્ઞાનિક ડો. ટી. રામાસામી, ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, વિખ્યાત ઉદ્યોગપતિ ડો. એમ. આઈ. પટેલ, વિખ્યાત વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન એ. એસ. કિરણકુમાર, પરમાણુ વૈજ્ઞાનિક ડો. ટી. રામાસ્વામી, કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, ભારતની વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડ્સ ટેક્નોલોજીસના સ્થાપક અને એક્ઝીક્યુટીવ ચેરમેન અને નાસ્કોમના સર્વપ્રથમ ચૂંટાયેલા ચેરમેન શ્રી હરિશ મહેતા, પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીઓલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ, ઇન્ટરનેશનલ લો કમિશન, યુએનમાં ચૂંટાયેલા સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલ પટેલ વગેરેએ મુખ્ય અતિથિપદ શોભાવ્યું હતું.