AnandToday
AnandToday
Monday, 26 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ સામેની લડાઈ માટેની સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રીલ હાથ ધરાઇ

આણંદ, 
 આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૈશ્વિક મહામારી કોરોનાના નવા વેરીએન્ટ બીએફ ૭ ના કેસમાં વધારો થતા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે સતર્કતા જાળવવા જણાવાયું છે, જે અન્વયે આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં આવેલ સી.એચ.સી અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ મોકડ્રીલ  હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આણંદ જિલ્લામા પણ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ સંબંધી મોકડ્રીલ યોજાઈ હતી.
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી સંબંધીત યોજાયેલ મોકડ્રીલ મુજબ હોસ્પિટલ ખાતે ૫૦૦ લીટર પર મિનિટ કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી ૩૦ બેડને એક સાથે ઓક્સિજન પુરો પાડી શકાય છે. આ પ્લાન્ટ દિવસ દરમિયાન ૦.૫ ક્યુબિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે.

આ મોકડ્રીલમાં હોસ્પિટલના દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ તેની ચકાસણી સાથે ઓક્સિજન લિકેજ ન થાય તેની પણ ખાતરીપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. આ મોકડ્રિલ દ્વારા હવે પછીના દિવસોમાં જો કોવિડના લક્ષણ ધરાવતા દર્દીને દાખલ કરવામાં આવે તો તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની કાળજી રાખવામાં આવી હોવાનું આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.અમર પંડ્યાએ જણાવ્યું હતું.

વધુમાં ડૉ. પંડ્યાએ ઉમેર્યું હતું કે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન માટે ૪૬ જમ્બો સિલિન્ડર સહિત અન્ય સિલિન્ડર પણ છે , ૨૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટેડ છે. જ્યારે હોસ્પિટલમાં મલ્ટી પેરા મોનીટર પણ ઉપલ્બ્ધ છે જે ૧૦ બેડ સાથે કનેક્ટેડ છે. ૧૨ વેન્ટીલેટર કાર્યરત છે જેને તાત્કલીક ધોરણે આઇ.સી.યુ. માં ઉપયોગમાં લઈ શકાય છે. તે સિવાય અન્ય દવાઓ અને જરૂરી મેનપાવર પણ પૂરતાં પ્રમાણમાં ઉપલ્બ્ધ છે.

આ મોકડ્રીલ સમયે સી.ડી.એચ.ઓ સહિત આણંદ જનરલ હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી.
*****