AnandToday
AnandToday
Thursday, 22 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

કોરોના વાઈરસના નવા લક્ષણોને પગલે આણંદ જિલ્લા આરોગ્યતંત્ર એલર્ટ મોડમાં

કોરોનાના નવા વેરીએન્ટ બીએફ-૭ માટે આણંદ જિલ્લામાં સતર્કતા જરૂરી- કલેકટરશ્રી ડી.એસ. ગઢવી

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આણંદ, 

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટરાલય ખાતે કોરોના વાઈરસના નવા વેરીએન્ટ બીએફ-૭ ને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવીએ કોરોના વાઈરસના નવા વેરિયન્ટને લઈ હાજર તમામ આરોગ્ય અધિકારીશ્રીઓને સતર્ક રહેવા અપીલ કરીને જિલ્લાની આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓની સમિક્ષા કરી હતી.

કલેક્ટરશ્રીએ આરોગ્ય અધિકારીશ્રીઓ પાસેથી આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ, આણંદ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતેની વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન પ્લાન્ટ, બેડ, રેપિડ ટેટેસ્ટીંગ કિટ, આરટીપીસીઆર, દવાઓ, ઇંજેક્શન, માસ્ક, સેનિટાઇઝર, આરોગ્ય તંત્રનો સ્ટાફ વગેરે જરૂરી આરોગ્યલક્ષી સામગ્રી-સુવિધાઓ અંગે જાણકારી મેળવી ઓક્સિજન પ્લાન્ટ - ઓક્સિજન બોટલ રિફીલિંગ કરાયેલા છે કે કેમ, જિલ્લામાં કેટલા બેડની સુવિધા છે, દરેક બેડ પર ઓક્સિજન પહોંચે છે કે કેમ, વેન્ટિલેટરની સુવિધા વગેરેની સમીક્ષા કરી હતી.

તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોના નવા વેરીએન્ટ સંબંધી લોકોને જાગૃત કરવા માટે ગામે ગામ ધનવંતરી રથ ફેરવવા, લોકોને હોમિયોપેથીક અને આયુર્વેદિક દવાઓનું વિતરણ તથા હાલમાં ચાલી રહેલ ઋતુ અનુસાર શરદી અને ખાંસીના દર્દીઓનું પણ કોરોના ટેસ્ટિંગ કરવા જણાવી આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને આશા બહેનોને કોરોનાના આ નવા વેરીએન્ટ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

કલેકટરશ્રીએ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓને પીએચસી અને સિવિલ હોસ્પિટલ ખાતેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, દર્દીને આઇડેન્ટિફિકેશન કરવા માટેની પદ્ધતિ, કોરોના સંબંધી જાગૃતતા અભિયાન તથા આરોગ્યતંત્ર ખાતે કોરોના સંબંધની માહિતી માટે ૨૪ કલાક લોકોને જાણકારી મળી રહે તે માતે કંટ્રોલરૂમ શરૂ કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ જિલ્લામાં કોરોનાના નવા વેરીએન્ટના કેસ આવે તો તેના માટે જિલ્લાનું આરોગ્યતંત્ર સજ્જ હોવાનું જણાવી જિલ્લાના લોકોને હવે પછીના સમયમાં ભીડભાડ વાળી જગ્યાએ જતા સમયે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાબુ વડે ધોવા તેમજ જે લોકોએ હજુ સુધી વેક્સિનનો બુસ્ટર લીધો નથી તેમણે બુસ્ટરડોઝ લેવા તેમજ ખોટી અફવાઓથી દુર રહેવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટરશ્રી કેતકી વ્યાસ, સિવિલ હોસ્પિટલ પેટલાદ અને આણંદના સિવિલ સર્જનશ્રીઓ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

*****