આણંદ,
સ્કાય લેન્ટર્ન" (ચાઈનીઝ તુક્કલ) તેમજ ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીના ઉપયોગથી પશુ-પંખી તેમજ પર્યાવરણને થતા નુકશાન, આગજની કે તેવી કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે ગુજરાત હાઈકોર્ટના હુકમથી ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, નવી દિલ્હીના હુકમથી પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
આમ છતા છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા દિવાળી, ઉત્તરાયણ તથા અન્ય તહેવારો દરમિયાન રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ) ઉડાવવાની પ્રથા શરૂ થયેલ છે. જયારે આ સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ) પવન અથવા કોઈ વસ્તુ સાથે અથડાય છે ત્યારે તેમાં આગ લાગે છે અને તે જમીન પર આવે છે. સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ) ઉડયા પછી ગમે તે સ્થળે પડી શકે છે. પરિણામે આગ લાગવાના બનાવો નકારી શકાય નહીં. તેમજ પ્લાસ્ટીક અથવા સીન્થેટીક મટીરીયલ્સમાંથી બનાવેલા ચાઈનીજ માંઝા/પ્લાસ્ટીક દોરીને કારણે પક્ષીઓ તથા મનુષ્યોને ઘાતક ઈજાઓ થતી હોય છે. ઘણીવાર આવી ઘાતક ઈજાઓને કારણે મૃત્યુ પણ નિપજી શકે છે. જેથી આવી જીવલેણ કે ઘાતક ઈજા નિવારવા માટે આવા પાકા – ચાઈનીઝ દોરાથી મનુષ્યો તથા પક્ષીઓને રક્ષણ આપવું જરૂરી છે.
સ્કાય લેન્ટર્ન ૫૨ મોટે ભાગે Biodegradable લખેલ હોય છે. પરંતુ આ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ)ની ગુણવત્તા સારી હોતી નથી અને સસ્તા મીણના ચોસલા તેમા બળતણ તરીકે વપરાય છે. જે બાયોડીગ્રેડેબલ નથી તથા તે મોટી પર્યાવ૨ણીય આપત્તિ સર્જી શકે છે. ભુતકાળમાં ચાઈનીઝ તુકકલને કારણે તહેવારો દરમિયાન આગના બનાવો બનેલા હોઈ આ બાબતે જનજાગૃતિ કેળવવા માટે પ્રતિબંધાત્મક પગલાં ભ૨વા જરૂરી હોઇ આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ સસ્તા કાગળમાંથી બનેલા સ્કાય લેન્ટર્ન, કે જેમાં મીણના ચોસલા બળતણ તરીકે વપરાય છે તેવા તુકકલ તથા તે માટેની જરૂરી સામગ્રીનો કોઈપણ વેપારી-વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ વેચાણ, સંગ્રહ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવા પર તથા આવા સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવા ઉપર તેમજ ચાઈનીઝ માંઝા, નાયલોન પ્લાસ્ટીક દોરી, સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થોથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરવા પર તથા તે માટેની જરૂરી સામગ્રીનો કોઈપણ વેપારી-વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ, સંગ્રહ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવો જેવી પ્રવૃત્તિ કરવા પર તા.૨૦/૦૧/૨૦૨૩ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
*****