AnandToday
AnandToday
Wednesday, 14 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે ઉજવાનાર૧૭મા ધર્મજ ડે”ની તૈયારીઓ આખરી તબક્કામાં.

દર વર્ષે અપાતા એવોર્ડ માટે ચાલુ વર્ષે ધર્મજ ગૌરવથી સન્માનિત થનાર મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન શ્રી મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ(બાબાકાકા) તથા લંડન સ્થિત શ્રી કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બીન ભુપેન્દ્રભાઈ પટેલ પસંદ થયેલ છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.

ધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે.

 

આણંદ

ભારત વર્ષના યશસ્વી, ઓજસ્વી, તેજસ્વી તથા તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”માં એક વખત ઉલ્લેખ કરેલ કે દરેક ગામે તેનો સ્થાપના દિવસ ઉજવવો જોઈએ. જેની પાછળની ભાવના તે હોઈ શકે કે ગામના લોકો વર્ષમાં એક વખત વતનમાં એકત્રિત થાય, એકબીજા સાથે હળે-મળે અને ગામના ઉત્કર્ષની ચિંતા કરે. આ કામ સતત ૧૭ વર્ષથી ચરોતર પ્રદેશનું એક ગામ કરતુ આવ્યું છે. આપણે વાત કરીએ છીએ ગામ ધર્મજની. જ્યાં ”ધર્મજ ડે” નામથી ઉજવણી સને ૨૦૦૭થી અવિરત ચાલી રહી છે. કોરોનાકાળમાં પણ ઓનલાઇન ઉજવણી ચાલુ રાખેલ. જેમાં હજારો લોકો જોડાયેલ. આ પ્રસંગની સફળતા માટે દુનિયાભરમાંથી ધર્મજીયનો સહભાગી બને છે.  વધુમાં સ્થાનિક રહેતા વતનીઓ તો દ્રવ્ય સાથે સમયદાન પણ આપી આ અભિનવ પ્રયોગને વધુ અર્થપુર્ણ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.

“૧૭મા ધર્મજ ડે”ની ઉજવણી અંગે “ટીમ ધર્મજ” વતી માહિતી આપતા રાજેશ પટેલે જણાવેલ કે  આગામી ૧૨મી જાન્યુઆરી ૨૦૨૩ – પોષ વદ પાંચમ વિક્રમ સંવત ૨૯૭૯ને ગુરૂવાર સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે. જેના માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પૂર્વ તૈયારી અને પૂર્ણ તૈયારીની નેમ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉજવાતા આ પ્રસંગે ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ધર્મજીયનો પધારશે. જેમાં બે મુખ્ય કારણો છે. એક તો કોરોનાકાળમાંથી ભારતને મળેલ મુક્તિ અને બીજું હાલ ચાલી રહેલ પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીની જન્મ શતાબ્દી ઉત્સવની ભક્તિસભર ઉજવણી. જેથી મોટી સંખ્યામાં લોકો વિદેશથી આવી ગયા છે અને આવી રહ્યા છે.   

વર્ષેધર્મજ ડેમાં પધારનાર મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે

આ વર્ષે ભારત વર્ષ તેની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહેલ હોઈ “૧૭મા ધર્મજ ડે”ની ઉજવણી તિરંગા રંગની થીમ સાથે થશે. વધુમાં પ્રધાનમંત્રીશ્રીના અનુરોધ મુજબ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ને “ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ” તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોઈ આ વર્ષે “ધર્મજ ડે”માં પધારનાર મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મિલેટસ એટલે કે આપણા પરંપરાગત જાડા ધાન્યમાં આયર્ન તથા અન્ય ફાયદાકારક તત્વો વધારે હોઈ તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારત દેશ જાડા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જેની નિકાસ વધે તો દેશના ધરતીપુત્રો પણ ફરી એક વખત બાજરી, બાવટો, જુવાર, રાગી અને કોદરી જેવા પાકો તરફ પાછા વળે. જેના કારણે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય. કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટસ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે એક સેમિનારનું આયોજન પણ થઇ રહ્યું છે. 

“ધર્મજ ડે” કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા વિચારક અને ચિંતક ડૉ. નરેશભાઈ વેદ – પૂર્વ કુલપતિશ્રી પધારશે. તેઓના વ્યક્તવ્યનો વિષય રહેશે “વતનનો ઝુરાપો.” દર વર્ષે અપાતા એવોર્ડ માટે ચાલુ વર્ષે ધર્મજ ગૌરવથી સન્માનિત થનાર મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન શ્રી મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ(બાબાકાકા) તથા લંડન સ્થિત શ્રી કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બીન ભુપેન્દ્રભાઈ પટેલ પસંદ થયેલ છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.  આ પ્રસંગે સમયની માંગને અનુસરીને ધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે આ વાહન તૈયાર થઇ રહ્યું છે. જેના માટે કિસાન હિત ચિંતક એવી નાઈસોલ મેન્યુંફેક્ચરીંગ કંપની તથા અન્ય વતનપ્રેમી એન. આર. ડી. (નોન રેસિડેન્સ ધર્મજીયન) દાતાશ્રીઓ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. આમ સમગ્ર તૈયારીઓ સાથે છ ગામ પાટીદાર સમાજ ધર્મજના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ ઉર્ફે ટીનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “ટીમ ધર્મજ”ના સૌ કર્મઠ કાર્યકર ભાઈ-બહેનો કામે લાગી ગયા છે.  

કાર્યક્રમ સ્થળે તિરંગા રંગની થીમને અનુરૂપ સુશોભન થશે. દાતાશ્રી તથા શુભેચ્છકો માટે તેમની વાતોના પ્રસાર – પ્રચાર માટે સ્ટોલ તથા ડીજીટલ માધ્યમથી પણ વ્યવસ્થા કરવામાં આવશે. જેની વધુ વિગતો મેળવવા ધર્મજ ખાતે દરરોજ સાંજે ચાલતા ધરોહર ફાઉન્ડેશન લોકસેવા કાર્યાલયનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. અન્યથા dharoharfundationdharmaj@gmail.com ઉપર ઈમેઈલ કરવાથી જરૂરી વિગતો પ્રાપ્ત થશે. ચાલુ વર્ષે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે ઉજવણી થશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ mydharmaj ફેસબુક પેજ અને યુ ટ્યુબ ચેનલ તથા કેટલીક સ્થાનિક ટી. વી. ચેનલો દ્વારા થશે. જેથી પ્રત્યક્ષ ઉપસ્થિત રહેનાર મહેમાનો ઉપરાંત દેશ અને દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઓન લાઈન પણ જોડાશે.