AnandToday
AnandToday
Tuesday, 13 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તેપ્રમુખસ્વામી મહારાજ નગર’નું ભવ્ય ઉદ્ઘાટન

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ

ભક્તોનો મહાસાગર છલકાયો 

લાખોની માનવ મેદની અને કરોડોએ જીવંત પ્રસારણ નિહાળ્યું

પ્રમુખસ્વામી મહારાજના જયનાદોથી સમગ્ર નગર ગુંજી ઊઠ્યું 

અમદાવાદ

સમગ્ર વિશ્વમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા, અમદાવાદમાં SP રિંગ રોડ પર ૬૦૦ એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો આજે ૧૪ ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો. 

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંજે ૫.૩૦ કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભાવિકોનો મહાસાગર છલકાતો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને BAPS ના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટનની માંગલિક વેળાએ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર – ‘સંત દ્વાર’ પાસે પધાર્યા. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહંતસ્વામી મહારાજ અને શ્રી નરેન્દ્ર મોદીજીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું.  મહંતસ્વામી મહારાજ, પ્રધાનમંત્રીશ્રી અને મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા. પથની બંને બાજુ સેંકડો બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું. સૌનું સ્વાગત ઝીલતાં મહાનુભાવો નગરના કેન્દ્ર સમાન ‘પ્રમુખ વંદના સ્થળ’ પર પહોંચ્યા, જ્યાં ૧૫ ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર પ્રધાનમંત્રીશ્રીએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી. 

અહીંથી પ્રધાનમંત્રીશ્રી દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ એવા ૬૭ ફૂટ ઊંચા મંદિર પાસે પધાર્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણ અને સંતપરંપરા તથા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રી સીતા- રામ, શ્રી રાધા-કૃષ્ણ, શ્રી શિવ પાર્વતી વગેરે સ્વરૂપોને વંદન કરી પ્રદક્ષિણા કરી હતી. નગરમાં ગ્લો ગાર્ડન અને બાલનગરીની મુલાકાત લઈ સૌ સભામંડપમાં પધાર્યા. 

સભામાં ઉપસ્થિત ભક્તોએ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રીશ્રીનું હર્ષભેર પ્રમુખસ્વામી મહરાજના જયઘોષથી અભિવાદન કર્યું. આજના અવસરે ભાવોર્મિ વહાવતાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું, “…..”આ અવસરે આશીર્વાદ વરસાવતાં મહંતસ્વામી મહારાજે કહ્યુ હતું કે “…..”

સર્વોત્તમ જીવન મુલ્યોની પ્રેરણા આપતા પ્રમુખ સ્વામી નગરમાં પધારવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

પ્રમુખસ્વામી નગરની દર્શનયાત્રામાં ઉપયોગી માહિતી:

મહોત્સવ  : ૧૫ ડિસેમ્બર થી ૧૫  જાન્યુઆરી, ૨૦૨૩

સમય: સોમવાર થી શનિવાર: બપોરે ૨ થી  રાતના ૯ સુધી, રવિવારે સવારના ૯ થી રાતના ૯ સુધી

નગરમાં પધારવા કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી

નિ:શુલ્ક પ્રવેશ

નિ:શુલ્ક પાર્કિંગ

મહોત્સવ સ્થળ પ્રવેશ : ભાડજ સર્કલથી આવનાર માટે ગેટ નં: ૨,૩ અને ૪ , ઓગણજ સર્કલથી આવનાર માટે ગેટ નં  ૫, ૬ અને ૭

નિ:શુલ્ક આકર્ષણો, પ્રદર્શન ખંડો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો 

નજીવા દરે પ્રેમવતી પ્રસાદમ ઉપહાર ગૃહમાં ભોજનની વ્યવસ્થા

નગરમાં નેવિગેશનની સરળતા અને તમામ આકર્ષણોની માહિતી  માટે ‘PSM100 Nagar’ એપ્લીકેશન

એપ્લિકેશનમાં આપના ઘરેથી મહોત્સવ સ્થળ સુધી નેવિગેશન અને આપને આપના વાહન સુધી પહોંચાડવા QR Code સ્કેનીંગ દ્વારા અદ્ભુત વ્યવસ્થા

દરરોજ  સાંજે  ૫ થી ૭:૩૦ દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમો

સાંજના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ : live.psm100.org

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લગતી પ્રેરક વિડીયો અને ફોટોગ્રાફ્સ : @PSM100yrs

યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર   

BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં માનનીયશ્રી નરેન્દ્રભાઈ ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાનાં સેવાકાર્યો વિશેના ઉદ્દગારોની એક ઝાંખી :

2017, ગાંધીનગર અક્ષરધામ રજત જયંતી મહોત્સવ પ્રસંગે:

"અક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી તરીકે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેક્નોલોજીનો કેવો અદ્ભુત સુયોગ છે! ...અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંતપરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ! ભક્તિમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! ...હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું."

2016, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દેહત્યાગ સમયે સ્વાતંત્ર્ય દિને સારંગપુર પહોંચીને ગદગદ કંઠે અર્પેલી ભાવાંજલિ,

" કેટલા બધા વર્ષોનો નાતો!  જયારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી,...ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલવે, પોષે, મઠારે એવો પિતૃતુલ્ય લાભ મને પ્રમુખસ્વામીજી પાસેથી મળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની વિદાયથી મેં તો પિતા ગુમાવ્યા છે...

પ્રમુખસ્વામી મહારાજ આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજની એ ઈચ્છા યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી.

1992 માં શ્રીનગરના લાલચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલીફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખસ્વામીજીનો ! બીજો ફોન મારી માતાનો!

..આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંતકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે વિદાય થયું છે. પરંતુ પ્રમુખસ્વામીજી સ્વધામમાં હોય તોપણ એમનાં આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંયમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસેશ્વાસમાં હરપળ રહેશે."

જાન્યુઆરી 2013, BAPS યુવાપ્રવૃત્તિ ષષ્ઠીપૂર્તિ મહોત્સવ પ્રસંગે,

"આપણે જેમના નિરંતર આશીર્વાદની અનુભૂતિ કરીએ છીએ, જેમને માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વચ્ચે કોઈ ભેદ નથી તેવા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં હું પ્રણામ કરું છું. આજના યુગમાં પણ આ ધરતી પર એક આવી દિવ્ય શક્તિ વસી રહી છે. જેના લીધે વિશ્વ માનવ-કલ્યાણ માટેએક આશાની અનુભૂતિ કરતું હશે."

જાન્યુઆરી 2005, સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે,

"હોસ્પિટલો તો ઘણી હોય છે, સારી પણ હોય છે, આધુનિક પણ હોય છે, પરંતુ બીજી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં થોડોક ફરક છે. આરોગ્ય ક્ષેત્રમાં સંપૂર્ણ આધુનિકતાથી સજ્જ એવી આ હોસ્પિટલ પર આધ્યાત્મિકતાનો અભિષેક છે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કૃપાનજર  છે...પ્રમુખસ્વામીના જ્યાં પગલાં પડે એ સ્ટાન્ડર્ડ બની જાય. સમગ્ર સાર્વજનિક જીવનમાં શિસ્તની, સુયોજનાની, ક્ષમતાની એક અદભુત મિસાલ આ પ્રમુખસ્વામીના નેતૃત્વમાં એક આંદોલન બની ગઈ છે. માનવજાતનું કલ્યાણ આમાં જ છે."

ઓગસ્ટ 2002, અમદાવાદમાં રક્ષાબંધન પર્વે,

" યુગાનુકૂલ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો જયારે સંત કરતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિને આની ખબર ન પડે કે આનું પરિણામ શું આવશે! સંત જયારે કરતા હોય છે ત્યારે આવનારી સદીઓ સુધી એનો પ્રભાવ પડતો હોય છે.પ્રમુખસ્વામીના આશીર્વાદ સંસ્કૃતિ રક્ષાની તાકાત આપે છે.પ્રમુખસ્વામીના આશીર્વાદ જીવન જીવવાની તાકાત આપે છે. પ્રમુખસ્વામીના આશીર્વાદ સત્ય માટે જીવવા-મરવાની તાકાત આપે છે.એ જ તાકાતની ખેવના છે ."

મે, 2002, કચ્છમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં, નવનિર્મિત ગામ 'નારાયણનગર' ના લોકાર્પણ પ્રસંગે,

"આ ગામના લોકોને પૂર્વજન્મનું કોઈ પુણ્ય હોવું જોઈએ. પુણ્ય એટલા માટે કે ભૂકંપ પછી તમારી આંગળી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પકડી છે. અને પ્રમુખસ્વામી મહારાજ જેની આંગળી પકડે તેનો તો ભવસાગર પર થઇ જતો હોય છે.પ્રમુખસ્વામીએ ગુજરાતના જાહેર જીવનને એક નવો ઓપ આપ્યો છે. નવી શક્તિ આપી છે. પીડિતોની પીડાને દૂર કરવા માટે કઈં કરી છૂટવું , કરુણાના સાગર બનીને જીવવું, એનો એક અભિનવ ભાવ આપણે તેમનામાં અનુભવ કરી રહ્યા છીએ."