આણંદ
ગુજરાતમાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયા બાદ આણંદ જિલ્લામાંથી બોરસદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમણભાઈ સોલંકીની મંત્રી કક્ષાના નાયબ દંડક પદ માટે પસંદગી કરવામાં આવી છે. મંગળવારે પોતાનો કાર્યભાર સંભાળતા પહેલા આશ્ર્ચર્યજનક રીતે બોચાસણ ખાતે સૌ પ્રથમ મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્યના સ્થાપક અને મુઠી ઉંચેરા માનવી પુજ્ય રવિશંકર મહારાજનું સમાધિ સ્થાન બોચાસણ ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ છે. નાયબ દંડક રમણભાઈ સોલંકીએ રાજ્ય સ્થાપના માટે વિશેષ યોગદાન આપનાર વિભુતિ અને લોકસેવક રવિશંકર મહારાજના સમાધિ સ્થાન બોચાસણ ખાતે પહોંચી નત મસ્તક વંદના કરી હતી. તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી ને રવિશંકર મહારાજના લોકસેવાના મંત્રને સાર્થક કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
બોચાસણ ખાતે પહોંચીને રમણભાઈ સોલંકીએ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં અગાઉ પ્રણાલી ચાલતી હતી કે પ્રધાનમંડળની રચના બાદ રવિશંકર મહારાજના આશિર્વાદ માટે પહોંચતાં હતા તેને પુનઃ સ્થાપિત કરી છે. તેનું ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મને સરકારના પ્રતિનિધિ તરીકે લોકસેવા કરવાની તક મળી છે . લોકસેવા કાર્ય દરમિયાન પુજ્ય રવિશંકર મહારાજના આશિર્વાદ સાથે એમની કાર્ય પ્રણાલી અને સમાજ ઉધ્ધારની ભાવનાને હંમેશા સાર્થક કરવા માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ પુર્ણ કરીશ
બોચાસણ ખાતે સૌ પ્રથમ મુલાકાત સમયે બોચાસણ શૈક્ષણિક સંકુલના આગેવાનો, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત ગ્રામજનોએ સ્વાગત કરી નવ નિયુક્ત નાયબ દંડક રમણભાઈ સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા