આણંદ,
એક સાથે ત્રણ પેઢીના સંગમ જવલ્લે જ જોવા મળે તેવું દ્રશ્ય આજે આણંદ જિલ્લામાં યોજાયેલ મતદાન વખતે જોવા મળ્યું હતુ. ચરોતરના પેરિસ તરીકે ઓળખાતા ધર્મજ ગામના ૧૦૩ વર્ષના ડાહ્યાભાઈ પટેલે તેમના પુત્ર પ્રમોદભાઈ અને પૌત્ર હિતુલભાઈ સાથે ધર્મજના કાશીબા માણેક વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચીને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિંદગીની પીચ પર અણનમ સદી ફટકારનાર ૧૦૩ વર્ષીય ડાહ્યાભાઈ પટેલે આઝાદી પહેલાના તેમના અનુભવોનું ભાથું ખોલતા જણાવ્યું હતુ કે, જ્યારે દેશની આઝાદી માટેની ચળવળ ચાલતી હતી, ત્યારે મહાત્મા ગાંધીજી ધર્મજ આવ્યા હતા, તે સમયે મે બાપુને નજરે જોયેલા. દેશ આઝાદ થયો ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન થતું હતુ ત્યારથી માંડીને આજ સુધી મે હંમેશા મતદાન કર્યું છે.
પુત્ર અને પૌત્ર સાથે મતદાન મથકે આવીને વ્હીલચેરમાં બેસી મતદાન બુથમાં જઈને મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ભાવનાના દર્શન કરાવતાં ૧૦૩ વર્ષના ડાહ્યાભાઇ પટેલનો આ જુસ્સો આજના યુવાનો માટે પ્રેરણાદાયી બની રહે તેમ છે.
*****