આણંદ,
કોઈપણ વ્યક્તિના ઘરે પુત્ર કે પુત્રી નો જન્મ થાય અથવા તો તેમના લગ્ન લેવાય તેવા શુભ અવસરને પોંખવા માટે આંગણે એક મહેમાન અચૂક આવતા હોય છે અને તે છે થર્ડ જેન્ડર એટલે કે કિન્નર સમાજના લોકો. આ સમાજના લોકો આંગણે આવી શુભ અવસરે આશીર્વાદ આપે તેને લોકો શુભ પણ માનતા હોય છે.
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવા જ કિન્નર સમાજના લોકોનો અખાડો આવેલો છે. પેટલાદ ખાતે આવેલા શ્રી દાદા ગંગા રામી કિન્નર અખાડાના ગાદીપતિ નાયક આરતીકુંવર મધુકુંવર કિન્નરની સાથે કિન્નર સમાજના ૧૦૦ થી વધુ લોકોએ લોકશાહીના આ પર્વને વધાવવા એક સાથે મતદાન મથકે પહોંચી તેમના મતદાન થકી લોકશાહીના અવસરને પોંખ્યો હતો.
મતદાન બાદ શ્રી દાદા ગંગા રામી કિન્નર અખાડાના ગાદીપતિ નાયક આરતીકુંવર મધુકુંવર કિન્નરે જણાવ્યંા હતું કે, અમારા કિન્નર સમાજના ૧૨૫ જેટલા મત છે. અમે બધા જાગૃત છીએ અને તેથી જ અમે આજે મત આપીને અમારી ફરજ બજાવી છે. લોકોને અમે અપીલ કરીએ છીએ કે, અમે કિન્નર જાતિના લોકો મતદાન કરીએ છીએ તો તમામ લોકોએ પણ દેશના ભલા માટે સો ટકા મતદાન કરવું જોઈએ.
નોંધનીય છે કે, પેટલાદ ખાતે આવેલ ચતુરભાઈ બાપુજીભાઈ પ્રાથમિક શાળામાં આવેલા સખી મતદાન મથક ખાતે પેટલાદના આ કિન્નર સમાજના લોકોએ એક સાથે મતદાન મથકે પહોંચીને મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગીદારીતા દર્શાવવાની સાથે તેમની રાષ્ટ્ર ભાવનાના દર્શન કરાવ્યા હતા.
*****