AnandToday
AnandToday
Sunday, 04 Dec 2022 18:30 pm
AnandToday

AnandToday

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ 

બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદના ૪૮ કલાક થયા હોવા છતાં લોકશાહીને મજબૂત કરવાના મકકમ ઇરાદા સાથે મતદાન 

તબીબોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચી મતદાન કરી અન્ય માટે પ્રેરણારૂપ બનતા આણંદના રમેશભાઇ શાહ

આણંદ, 

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જિલ્લાના કુલ ૧૮૧૦ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાય હતી, જેમાં વૃદ્ધો, દિવ્યાંગો, યુવાનો અને ગૃહિણીઓ સહિત વિવિધ વર્ગના મતદારો ઉત્સાહ સાથે લોકશાહીના આ મહાપર્વમાં જોડાયા હતા. 

આ મહાપર્વની ઉજવણીમાં લોકશાહીને મજબૂત કરવાના મકકમ ઇરાદો ધરાવતા આણંદ જૈન સંઘના પ્રમુખ શ્રી રમેશભાઇ શાહ કે જેઓને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેઓને વડોદરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગત દિવસોમાં તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. બ્રેઇન સર્જરી કરાવ્યાને હજુ તો માંડ ૪૮ કલાક થયા છે તેમ છતાં પણ મજબૂત મનોબળ ધરાવતા રમેશભાઈએ આજે મતદાન હોવાથી તબીબોને મતદાન કરવા આણંદ ખાતે જવાનું જણાવતાં તબીબોએ પણ તેમની આ વાતને ગ્રાહ્ય રાખીને તેમને મતદાન કરવા જવા માટે તબીબની ટીમ સાથે એમ્બ્યુલન્સ વાનમાં તેમના વતન આણંદ ખાતે લાવવામાં આવ્યા હતા. આ એમ્બ્યુલન્સ વાન આણંદ ખાતે જયાં તેમને મતદાન કરવાનું હતુ તે અંબાલાલ બાલશાળા ખાતેના મતદાન મથકે લઈ જવામાં આવી હતી. 

મતદાન સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ વાનમાંથી શ્રી રમેશભાઇ શાહને મતદાન કેન્દ્રમાં તબીબની ટીમની દેખરેખ હેઠળ વ્હીલચેર પર બેસાડીને સીધા મતદાન માટે લઇ જવામાં આવ્યા હતા જયાં તેઓએ મતદાન કરી મતદાન એ આપણી પવિત્ર ફરજ છે તે સુત્રને સાર્થક કરી બતાવી અન્યોને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂં પાડી મતદાન કરવા અપીલ કરી હતી. શ્રી રમેશભાઇ શાહ જયારે મતદાન મથકમાંથી પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરી  મતદાન મથકની બહાર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર મતદાન કર્યાના સંતોષની લાગણી જોવા મળી હતી.

*****