આણંદ ટુડે | ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની આણંદની ટીમે મુલાકાત લીધી હતી. આણંદ ટુડેના પ્રતિનિધીઓએ ઉમરેઠ પંથકના ગામે ગામ ખૂંદી વળ્યા હતા અને લોકસંપર્ક કરી પૃચ્છા કરતાં ઉમરેઠ પંથકમાં અગાઉ સ્થાનિક નેતાઓએ કેવો વિકાસ કર્યો છે અને કેટલા સળગતા વણઉકેલાયેલ પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે. તેવી ચોકાવનારી વિગતો ઉજાગર થવા પામી હતી. આણંદ ટુડેની ટીમ ઉમરેઠ તાલુકાના ઘોરા તાબે સેવાપુરા ગામે પહોંચી હતી. જ્યાં સ્થાનિક ગ્રામિણ લોકોએ તંત્ર અને રાજકીય નેતાઓના ખાડે ગયેલા લોલમલોલ અંધેર વહીવટ પ્રત્યે જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ રોષ પૂર્વક કહ્યું હતું તે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા ગામમાં પાકા રસ્તાની સુવિધા નથી. મગરની પીઠ જેવા ધુળિયા રસ્તાથી જબરજસ્ત હાલાકી વેઠવી પડે છે. તેમાંય ખાસ કરીને ચોમાસાની સીઝનમાં તો બેસુમાર કાદવ કીચડથી ખદબદતા અને વરસાદી પાણીથી ભરાયેલા રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. સ્થાનિક નેતાઓ રસ્તા જેવી પાયાની સુવિધા આપવામાં પણ સાવ વામણા પૂરવાર થયા છે. આણંદ ટુડેની ટીમે વધુમાં સ્થાનિકોને પુછતાં જાણવા મળ્યું હતું કે જે કોઇ ઉમેદવાર સૌ પ્રથમ વિકાસને પ્રાધાન્ય આપશે તેવા જ ઉમેદવારને અમો જંગી બહુમતીથી ચૂંટીને લાવીશું. ખોટા વાયદા અને વચનો આપતા અને ચૂંટણી ટાંણે ડોકીયાં કરતા નેતાઓને અમે આ ચૂંટણીમાં ચોક્કસ પાઠ ભણાવીશું.