આણંદ ટુડે | આણંદ
ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારે આજે રવિવારના રોજ પોતાના ટેકેદારો મિત્રો અને સગા સંબંધીઓ સાથે ચરોતર પંથકના ઉંબરો ગણાતા સિલ્ક સીટી ઉમરેઠ નગરમાં ડોર ટુ ડોર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.
અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને ઉમરેઠ નગરના વિવિધ વિસ્તારો શેરી અને મહોલ્લાઓમાં અભૂતપૂર્વ આવકાર સાથે વ્યાપક જન સમર્થન મળ્યું હતુ
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના પ્રમાણિક, નિષ્ઠાવાન અને લોકલાડીલા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર રવિવારના રોજ તાલુકા મથક ઉમરેઠમાં આવેલ સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવના મંદિરમાં દર્શન કરી પોતાના સમર્થકો મિત્રો અને સગા સંબંધીઓ સાથે ઉમરેઠ શહેરમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો
તેમણે ઉમરેઠના લાલ દરવાજા વિસ્તાર ,વરાહી માતા મંદિર વિસ્તાર ,ગંજ બજાર, ખારવાવાડી વિસ્તાર,જાગનાથ મહાદેવ વિસ્તાર, કસ્બા વિસ્તાર વડા બજાર અને ભગવાન વગા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.
નિવૃત ક્લાસ વન અધિકારી એવા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારે ઉમરેઠ શહેરના ઉપરોક્ત તમામ વિસ્તારોમાં લોકોને મળ્યા હતા. ચા ની કેટલી હોય કે પાન બીડીનો ગલ્લો, નાની મોટી દુકાનો અને શોરૂમ ઉપરાંત રસ્તેથી આવતા જતા અને મકાન કે ચોતરા આગળ ઉભેલા અને બેઠેલા અબાલવૃદ્ધ સૌને તેમજ કારચાલક, એકટીવા ચાલક હોય કે સાયકલ સવાર ને પણ પ્રેમથી મળ્યા હતા. અને ઉમરેઠ મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તેમના કીંમતી મતની માગણી કરી ઉમરેઠ વિધાનસભામાં આ વખતે પરિવર્તન લાવવા જણાવ્યું હતું. ઉમરેઠના દરેક વિસ્તારમાં આજે તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. પોતાના મિત્રો, સમર્થકો સાથે કરાઇ રહેલા આ પ્રચાર અભિયાન દરમિયાન બી. યુ. પરમારને ઠેર ઠેર નાગરીકો અને વિવિધ સમાજો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ તેમને મત આપીને જંગી બહુમતીથી ઉમરેઠ વિધાનસભા બેઠક પર વિજય બનાવવા માટે ખાતરી આપી હતી. અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર એ પણ ઉમરેઠ પંથકનો સર્વાંગી વિકાસ કરી પ્રજાલક્ષી કામોને વિશેષ પ્રાધાન્ય આપવાની સાથે સાથે વર્ષોથી ઉમરેઠ મત વિસ્તારમાં ખોરંભે પડેલા વિકાસના કામોને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
ઉમરેઠ નગરમાં આજે પ્રચાર દરમિયાન મળેલા વ્યાપક જનસમર્થનને જોતા ઉમરેઠ બેઠક પર અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારની જીત નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.