આણંદ ટુડે | આણંદ
આણંદ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના સમયમાં અધૂરા રહેલા અને ન થયેલા વિકાસના કાર્યો ભાજપના ઉમેદવાર યોગેશભાઈ પટેલ ઉર્ફે બાપજી આણંદ બેઠક પર વિજય થયા બાદ ઉકેલી શકશે કે કેમ તે પ્રશ્ન જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જો આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર યોગેશ પટેલનો વિજય થાય તો પણ આણંદના સળગતા પ્રશ્નો ઉકેલાશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે. કેમકે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં ભાજપના શાસનમાં વિકાસના મુદ્દે આણંદની બાદબાકી કરાઇ છે !? અર્થાત ભાજપ સરકારને આણંદના વિકાસમાં રસ નથી!? તેવું જાગૃત બુદ્ધિ જીવીઓનું માનવુ છે.
ચાર ચાર વખત સિવિલ હોસ્પિટલનું ખાતમુહુર્ત થયું છતાં આણંદમાં સિવિલ હોસ્પિટલ ન બની. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ પ્રશ્ને સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે. છતાં સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન લટકતો રહેવા પામ્યો છે. આણંદમાં સિવિલ હોસ્પિટલના મુદ્દે રાજકારણ ખેલાઇ રહ્યું છે. કોણ બનવા દેતું નથી સિવિલ હોસ્પિટલ !. શું આમાં પણ આણંદના કેટલાક ડોક્ટરોની વિલનની ભૂમિકા છે? તેઓ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે
આણંદના ભાલેજ ઓવરબ્રિજને પહોળો કરાવવાનો મામલો હજુ ગૂંચવાયેલો છે. આ મામલે પર રાજકીય નેતાઓ લડત આપી ચૂક્યા છે છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી
આણંદમાં સીટી બસનો પ્રશ્ન પણ ગૂંચવાયેલો છે સીટી બસ શહેરના સરર્ક્યુલર રૂટ પર ફરતી નથી. શહેરના મોટા ભાગના વિસ્તારો સિટી બસના લાભથી વંચિત રહેવા પામ્યા છે.
આ ઉપરાંત આણંદની બોરસદ ચોકડી ખાતે બની રહેલ રેલવે ઓવરબ્રિજનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી. તાજેતરમાં જ ભ્રષ્ટાચારના ભારથી ઓવરબ્રિજનો એક ભાગ તુટી પડ્યો હતો.
શહેરના ઘણા વિસ્તારો ગટર સુવિધાના લાભ થી વંચિત રહેવા પામ્યા છે.અને જે વિસ્તારમાં ગટર લાઈનના કામ થયા છે ત્યાં કનેક્શન પણ આપ્યા નથી.
શહેરમાં રખડતા પશુઓ, ટ્રાફિક પ્રશ્ન, બિસમાર રસ્તા અને બેસુમાર ગંદકીની સમસ્યા તો શહેરીજનો માટે સામાન્ય અને કાયમી બની ગઈ છે.
આણંદ શહેરમાં ઉપરોક્ત મહત્વના પ્રજાલક્ષી કામ વર્ષોથી ખોરંભે પડેલા છે.ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર યોગેશભાઈ પટેલ ઉફે બાપજીનો વિજય થાય તો તેઓ શું આ પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે તેવો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.