આણંદ,
"મારું નામ મુક્તિ સુધીર મુખર્જી છે, મારી ઉંમર ૮૨ વર્ષ છે. મને મતાધિકાર મળ્યો ત્યારથી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં મેં મતદાન કર્યું છે, પરંતુ મારી ઉંમરની સાથે મને ડાયાબિટીક ન્યુરોપેથીની તકલીફ હોવાથી હું બહુ ચાલી શકતી નથી. તેના કારણે આ વખતે મને એવું લાગતું હતું કે, હું મતદાન કરી શકીશ નહીં. પરંતુ ચૂંટણી પંચ દ્વારા અમારા જેવા વરિષ્ઠ લોકોનું ધ્યાન રાખીને અમારા માટે ઘરે બેઠા જ મતદાન કરવાની જે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે, તેનો મેં લાભ લીધો અને તેના કારણે હું મારા મતાધિકારનો ઉપયોગ કરી શકી છું. તેની મને અત્યંત ખુશી છે."
ભાવાવેશમાં બોલાયેલા આ શબ્દો છે ૧૧૨-આણંદ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા વિદ્યાનગર ખાતે રહેતા મુક્તિબાના.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે સમગ્ર ગુજરાતમાં આગામી તા. ૧ લી ડિસેમ્બર અને તા. પ મી ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ વખતે સૌ પ્રથમવાર રાજ્યના ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો તેમના ઘરે બેઠા જ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે આણંદ મતદાર વિભાગમાં રહેલા અને અગાઉથી જેમણે ઘરે બેઠા મતદાન કરવા માટેનો વિકલ્પ પસંદ કર્યો હતો તેવા ૧૧૨-આણંદ મતદાર વિભાગના વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોના ઘરે મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ
પ્રિસાઇડિંગ ઓફિસર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમ જઈને તેમને ઘરે બેઠા તેમના મતદાનની ગોપનીયતા જળવાઈ રહે તે રીતે મતદાન કરાવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા ઘરે બેઠા બેઠા મતદાન કરવા માટે ઉભી કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાનો લાભ મેળવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકવા બદલ ગૌરવની લાગણી અનુભવતા મુક્તિબાએ વધુમાં કહયું હતુ કે, ડાયાબીટીક ન્યુરોપેથીના કારણે મને ગમે ત્યારે ચક્કર આવે અને હું પડી જઈ શકું તેવી મારી સ્થિતિ છે. જેના કારણે હું બહાર જઈ શકતી નથી, અને એટલે જ મને એવું લાગતું હતું કે કદાચ આ વખતે પહેલીવાર હું મત આપી નહીં શકું. પરંતુ આ વખતે ચૂંટણી પંચ દ્વારા મને ઘરે બેઠા બેઠા જ મતદાન કરવાની તક મળતા, ચૂંટણી પંચના કારણે હું મારો મત આપવાના અધિકારનો ઉપયોગ કરી શકી છું. આ માટે હું ચૂંટણી પંચની ખૂબ જ આભારી છું.
વિધાનસભાની આ ચૂંટણીમાં તમામ મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠતાથી પ્રયાસો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગોમાં કુલ મળી ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકે ગયા વગર ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકવાના છે, ત્યારે મતદારોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી બનવું પડશે.
*****