આણંદ
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગના કુશળ ડૉક્ટરની ટીમ દ્વારા મધ્યમ વયની મહિલાના આંતરડાની સર્જરી કરવામાં આવી. જેને આંતરડામાં કાણાંની સાથે શરીરમાં ચેપ, મેદસ્વીપણું, હાઈપર ટેન્શન અને ડાયાબિટીસની પણ તકલીફ હતી. ડોક્ટર્સની ટીમે આ જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી મહિલાને નવજીવન આપ્યું હતું.
અમદાવાદ શહેરના નિવાસી ૩૫ વર્ષીય કવિતાબેન મહેશભાઈ રાવળ બેભાન અવસ્થામાં શ્રી કૃષ્ણ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં આવ્યા હતા. તેમને પેટમાં દુઃખાવો હતો તેથી સોનોગ્રાફી રિપોર્ટ કરતાં આંતરડામાં કાણું હોવાનું અને ચેપ ફેલાયો હોવાનું જાયું હતું. મહિલાની ગંભીર સ્થિતિને જોતાં જ સર્જરી વિભાગના ડૉ. મિથુન બારોટ અને ડૉ. સિદ્ધાર્થ સોનગઢકરે તાત્કાલિક સર્જરી કરી હતી.
ડૉ. મિથુનના જણાવ્યા અનુસાર મહિલાને આંતરડામાં કાણું હોવાની સાથે ગંભીર બીમારી જેવી હૈ મેદસ્વીપણું, હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ હોવાથી સર્જરી દરમ્યાન જ મૃત્યુ થવાની સંભાવના હતી. પરંતુ મહિલાનું મનોબળ જોતાં અમે સર્જરી કરી હતી, મહિલાની આંતરડાની ધમનીમાં અવરોધ અને આંતરડામાં કાણું હોવાથી બગડેલ ભાગને દૂર કરીને પમનીને બાયપાસ કરવામાં આવી હતી અને આંતરડું નાનું કરી દેવામાં આવ્યું હતું . તેમને ઈન્ટેન્સીવિસ્ટ ડોક્ટર્સની દેખરેખ હેઠળ આઈ.સી.યુ.માં ૧૫ દિવસ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જનરલ વૉર્ડમાં સર્જરી વિભાગની દેખરે ખ હેઠળ દોઢ મહિનો રાખવામાં આવ્યા હતા.
આ સર્જરી આયુષ્યમાન યૌજના હેઠળ કરવામાં આવી હતી. પરંતુ મહિલાનો હોસ્પિટલમાં રહેઠાણ અને સારવારનો ખર્ચ વધતાં હોસ્પિટલે દાતાઓશ્રી સાથે દાનની અપીલ કરી સારવારનો ખર્ચ ઊઠાવ્યો હતો.
મહિલાને લગ્નના ૧૦ વર્ષ બાદ પુત્રની પ્રાપ્તિ થઈ હતી. સર્જરી દરમ્યાન તેના પુત્રની ઉંમર ૧ વર્ષની હતી. તેમના પતિ રીક્ષા ચલાવી કુટુંબનું ગુજરાન કરતો હોવાથી તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી.
પરંતુ મહિલાને તેમના પતિનો પૂર્ણ સહકાર અને બાળક માટે જલ્દી સાજા થવાની લગન હોવાથી તબિયતમાં જલ્દી સુધારો થયો હતો.
અગાઉ તેમના પતિ તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેમની બચવાની આશાને નકારી કાઢી હતી. ત્યારબાદ તેમને નડિયાદ લઈ ગયા હતા જ્યાંથી તેમને શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ લઈ જવા જણાવ્યું હતું.
સાજા થયા બાદ કવિતાબેને જણાવ્યું કે, શ્રી કૃષ્ણ ઊસ્પિટલે મારી ખૂબજ સારી સારવાર કરી છે. મને ડૉક્ટર્સે ખૂબજ મનોબળ અને શ્રદ્ધા ખાપી હતી. જેથી હું જલ્દીથી સાજી થઈ હતી. સારવારનો ખર્ચ વધીને ૬ લાખનો થયો હતો જે હૉસ્પિટલે ઉઠાવ્યો હતો અને તેના માટે હું હૉસ્પિટલની ખૂબ જ આભારી છું.