AnandToday
AnandToday
Thursday, 24 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨

હું છુ મતદાર... આળસ કરીશ નહી, ફરજથી ડગીશ નહી... મતદાન ચૂકીશ નહી.... 

અવસર અનોખા ગુજરાતનો... અવસર આપણા સૌનો..... અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ... અવસર લોકશાહીનો... લોકશાહીના આ મહા ઉત્સવમાં સહભાગી બનીને મતદાન અવશ્ય કરીએ....

આણંદ જિલ્લાના ૨૫૦થી વધુ ગામડાઓના જાહેર નોટીસ બોર્ડ પર મતદાન જાગૃતિ અર્થે કરાઇ અપીલ 

આણંદ,

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની ૭ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના  મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. 

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. 

આ કાર્યક્રમો અંતર્ગત તમામ મતદાર વિભાગોના ૨૫૦ થી વધારે ગામડાઓના જાહેર નોટીસ બોર્ડ પર મતદાન જાગૃતિ અર્થે ગામના મતદાતાઓને આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

ગ્રામ્ય કક્ષાએ નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ મતદાર જાગૃતિ અર્થેના સંદેશાની વાત કરીએ તો, અજુપુરા ગામના નોટીસ બોર્ડ ઉપર મતદાન માટેની સુંદર વાત રજુ કરવામાં આવી છે. આ બોર્ડ ઉપર જાહેર જનતાને અપીલ કરતાં જણાવાયું છે કે, આથી ગામની જાહેર જનતાને જણાવવાનું કે, તા. ૫-૧૨-૨૦૨૨ ના રોજ લોકશાહીનાં ઉત્સવમાં આપનો કિંમતીમત આપવા જરૂર જઈએ. ૧૦૦ ટકા મતદાન કરીએ. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એ ફરજ બજાવીને લોકશાહીનો ‘‘અવસર’’ ઉજવીએ. હું છુ મતદાર... આળસ કરીશ નહી, ફરજથી ડગીશ નહી... મતદાન ચૂકીશ નહી.... 

જયારે મોગરી ગામના નોટીસ બોર્ડ ઉપર મતદારોને નમ્ર અપીલ કરતાં જણાવાયું છે કે, ‘‘સર્વે મોગરી ગ્રામજનોને નમ્ર અપીલ છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી તા. ૫-૧૨-૨૦૨૨ ને સોમવારના રોજ હોય આપ સૌ અચૂક મતદાન કરવા જશો જ એવી નમ્ર વિનંતી છે.’’ ત્યાર પછી બાદ નીચે સરસ મજાનો મતદાર જાગૃતિનો સંદેશ પાઠવતા લખ્યુ છે, અવસર અનોખા ગુજરાતનો... અવસર આપણા સૌનો..... અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ... અવસર લોકશાહીનો... 

મતદાન જાગૃતિ અર્થેની આવી જ વાતો આણંદના અનેકવિધ ગામોમાં જોવા મળી છે. ગામડાઓ આજે મતદાન જાગૃતિની આહલેક જગાવી રહયાં છે, ત્યારે આપણી પણ નૈતિક ફરજ બને છે કે, લોકશાહીના આ મહા ઉત્સવમાં સહભાગી બનીને મતદાન અવશ્ય કરીએ.... 

*****