આણંદ
ઉમરેઠ વિધાનસભા બેઠક પર ચૂટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર કે જેઓ નિવૃત્ત ક્લાસવન અધિકારી છે. તેઓએ આણંદ ટુડે સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ સમાજની સેવા અને પ્રજાલક્ષી કામો કરવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે કેટલાક પક્ષોએ મતદારોને રીઝવવા ખોટા ખોટા વચનો અને વાયદાઓની લ્હાણી કરી છે. પરંતુ હું મારા મત વિસ્તારના લોકોને ખોટા વચનો અને વાયદાઓ આપવા માગતો નથી. હરહંમેશ પ્રજાલક્ષી કામો પ્રત્યે સદાય જાગૃત રહીશ.
મત વિસ્તારનો વિકાસ જ મારો મુખ્ય ધ્યેય રહેશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. ઉમરેઠ વિધાનસભા વિસ્તારની જનતા હવે પરિવર્તન ઇચ્છુક છે.
અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે જો હું ચૂંટણી જીતીશ તો અનાથ માનસિક અને શારીરીક રીતે વિકલાંગ બાળકો માટે પાંચ વર્ષનો તમામ પગાર વાપરીશ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી શરૂ કરાવીશ. ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ગામોમાં ખેડૂતો, બાગાયતદારો અને પશુપાલકોને માર્ગદર્શન અને યોજનાની જાણકારી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનની સાથે વંચિતોને જરૂરી લાભો અપાવીશ. ઉમરેઠ મત વિસ્તારમાં એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાવીશ તેટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું શિક્ષણ સંકુલ ઉભુ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.