ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આ વખતે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, 12 ઉમેદવારોમાંથી આઠ અપક્ષ ઉમેદવારો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ, આપ અને એનસીપીને આઠ અપક્ષ ઉમેદવારો મુશ્કેલી સર્જશે તેવું રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે. કદાચ આ વખતની ચૂંટણીમાં કોઇ અપક્ષ પણ મેદાન મારી જાય તો નવાઇ નહીં.
આણંદ ટુડે | આણંદ
111- ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લોકો પુનરાવર્તન ઇચ્છે છે કે પરિવર્તન તે જાણવાનો આણંદ ટુડે પ્રયાસ કર્યો હતો. જેમાં ઉમરેઠ પંથકના કેટલાક જાગૃત નાગરીકોએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ઉમરેઠ પંથકની જનતાનો વિકાસ કર્યો નથી પરંતુ વિકાસના કામોના નામે પોતાના ખીસ્સા ભર્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં વર્ષોથી ઉમરેઠ મત વિસ્તારમાં શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય અને ખેડૂતોનો પ્રશ્નો સળગતા રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે ભાજપ સત્તામાં છે ત્યારે ઉમરેઠ મત વિસ્તારમાં પણ છેલ્લા ઘણા વર્ષથી સ્થાનિક નાગરીકો મળવા પાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યા છે. પાયાના પ્રશ્નો અને સુવિધાઓ આપવાની ગુલબાંગો પોકારતા નેતાઓને પણ સ્થાનિક મતદારો સારી રીતે ઓળખી ગયા હોવાનો પણ ગણગણાટ જાગૃતોમાં થઇ રહ્યાો છે. વધુમાં એક જાગૃત નાગરીકે ભારે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઉમરેઠ મત વિસ્તારની જનતા આ વર્ષે પરિવર્તન લાવશે. પંથકના લોકો પરિવર્તન લાવવા માટે તૈયાર છે. કેમકે, ભાજપના નેતાઓએ માત્ર ને માત્ર ઠાલાં વચનો આપીને મત વિસ્તારના લોકોને છેતર્યા છે. વિકાસ ક્યાંય દેખાતો નથી. આ પરિવર્તનના પ્રશ્ને આણંદ ટુડેના પ્રતિનિધીએ એક સ્થાનિક નાગરીકનો સંપર્ક સાધી પ્રશ્ન કર્યો હતો કે તમો લોકોને અર્થાત ઉમરેઠ મતવિસ્તારના લોકોને કેવી સરકાર અર્થાત કેવા ઉમેદવાર પસંદ છે. પ્રત્યુત્તરમાં કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જે ઉમેદવાર, જે સરકાર પ્રજાની સમસ્યાનું સમાધાન કરે અર્થાત પ્રજાના સળગતા પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલ લાવે અને પ્રજાલક્ષી કામો પ્રત્યે હરહંમેશ જાગૃત રહે તેવા નેતા પસંદ છે.
ઉમરેઠ મતવિસ્તારના ક્યાંક નેતાઓ પ્રત્યે નારાજગી તો ક્યાંક કામગીરી પ્રત્યે અસંતોષ જોવા મળ્યો હતો. આ વખતની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપ, એનસીપી, આપ અને અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાનાર છે. આ ચૂંટણી જંગના અંતે ઉમરેઠ મતવિસ્તારના પ્રજાજનો કોના પર મહેર વર્ષાવે છે એ તો આગામી 8મી ડિસેમ્બરના રોજ સ્પષ્ટ થશે હાલ તો વિવિધ પક્ષના ઉમેદવારોએ ઉમરેઠના ગઢ પર રાજ કરવા અર્થાત ચૂંટણીમાં જંગી બહુમતી જીતવા પ્રચાર અભિયાનને વેગવંતો બનાવી દીધો છે. જોરશોરથી ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.ત્યારે સૌની નજર આગામી આઠમી ડિસેમ્બર પર મંડાઇ છે.