આણંદ ટુડે | આણંદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આણંદ જિલ્લામાં પણ ભાજપ કોંગ્રેસ, આપ સહિતના પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરી દેવાયું છે. જોકે, પ્રચાર માટે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આણંદ શહેરની સાત જેટલી સોસાયટીમાં ચૂંટણી બહિસ્કારના પોસ્ટર લાગતાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સબળ નેતાગીરીનો અભાવ અને ભાજપ શાષીત નગરપાલિકાના ખાડે ગયેલા અંધેર વહીવટના કારણે શહેરના અનેક વિસ્તારના રહીશો મળવા પાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યા છે. છેલ્લા વીસ વીસ વર્ષથી શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી ગટર સુવિધાનો અભાવ, બેસુમાર ગંદકી, રખડતાં પશુઓનો ત્રાસ, બિસમાર રસ્તા સહિત મળવાપાત્ર અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. દર પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય છે ત્યારે ચૂંટણી ટાંણે ડોકીયાં કરતા નેતાઓના ચૂંટણી બાદ દર્શન દુર્લભ બની જાય છે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે આણંદ શહેરની સાત જેટલી સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.
આણંદ વિધાનસભાના મત વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતા 7 સોસાયટીઓના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
આણંદ વિધાનસભા મત વિસ્તારમાં આવતી શાંતિ દીપ સોસાયટી, ચૈતન્ય હરી સોસાયટી, રઘુવંશ સોસાયટી, અંજનીય આંગન, દરબાર ટેકરા, અવની પાર્ક અને કર્મ નગર વિસ્તારના લોકો દ્વારા વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ગટર કનેક્શન આપવામાં આવ્યું છે. પરંતુ તે ગટર કનેક્શનને મેઇન લાઈન સાથે જોડવામાં ન આવતા સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી.. છેલ્લા ઘણા સમયથી ગટર કનેક્શન માટે આણંદ નગરપાલિકા, ધારાસભ્ય તથા સાંસદ સભ્યોને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
આ વિસ્તારમાં આશરે 1500 જેટલા મતદારો છે. આ તમામ મતદારો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તમામ રહીશો દ્વારા સોસાયટી બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, “કોઈપણ પક્ષે છેલ્લા 20 વર્ષથી અમારી પ્રાથમિક સમસ્યાઓનો હલ કરેલ નથી. તો આપ લોકોએ અમારા વિસ્તારમાં ચૂંટણી સમયે વોટ માગવા આવશો નહીં અને અમને શરમમાં મૂકશો નહીં અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે.”
આણંદમાં 1500 થી વધુ નાગરિકોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા સ્થાનિક રાજકારણ મા પણ ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, સ્થાનિકોનું કેવું છે કે અમોનિયમિત જે તે ટેક્સ ભરપાઈ કરીએ છીએ છતાં તંત્ર દ્વારા નિયમિત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી છેલ્લા 20 20 વર્ષથી અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ દ્વારા મોટા મોટા વચનો આપવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વચનો વિસરાઈ જાય છે અને રાજકીય નેતાઓના દર્શન પણ દુર્લભ બની જાય છે જેને લઇ આ વખતે સ્થાનિકોએ ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે