આંકલાવ
આંકલાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા પુર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આજે સવારે આંકલાવના કેશવપુરા ખાતે આવેલા પોતાના નિવાસ્થાને કાર્યકરોની એક સભા યોજ્યા બાદ રામબાઈ માતાના મંદિરે દર્શન કરીને રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી , આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત કોંગી અગ્રણીઓ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ત્રીરંગા ઝંડા સાથે નીકળેલી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું
કોંગ્રેસના કદાવર નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા પરિવર્તનનો મૂડ કરીને બેઠી હોય ત્યારે આંકલાવ વિધાનસભામાં સૌના સાથ સહકાર, પ્રેમ ,લાગણી અને આશીર્વાદથી આજે મેં ઉમેદવારી નોંધાવી છે. ભૂતકાળમાં પણ સૌનો પ્રેમ સાથ અને સહકાર મળતો રહ્યો છે. અને મળતો રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિરોધ પક્ષની સરકાર હોવા છતાં પણ કોઈ પણ જાતના ભેદભાવ વિના વિકાસના કાર્યો કર્યા છે, હર હંમેશ પ્રજાલક્ષી કામોને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પ્રજાના અધૂરા કાર્યો અપેક્ષાઓ આવનાર કોંગ્રેસની સરકાર પૂર્ણ કરશે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે આપ જોશો કે આ વખતે ગુજરાતમાં 125 કરતાં વધારે સીટો સાથે કોંગ્રેસની સરકાર બનશે સામાન્ય જનની અને સામાન્ય લોકોની ચિંતા કરવા વાળી સરકાર બનશે તેમ અંતમાં જણાવ્યું હતું