આણંદ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અન્વયે આણંદ જિલ્લાની ૧૦૮-ખંભાત, ૧૦૯-બોરસદ, ૧૧૦-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ, ૧૧૩-પેટલાદ, અને ૧૧૪- સોજિત્રા વિધાનસભાની બેઠક માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર હોઇ આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનુ જિલ્લામાં ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી સમયગાળા દરમિયાન સ્થાનિક ન્યુઝ ચેનલોમાં આવતા સમાચારો/પેઈડ ન્યુઝ પર દેખરેખ રાખવા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થયાની સાથે જ આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર (EMMC) કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાથી સ્થાનિક ન્યુઝ ચેનલોમાં આવતા સમાચારોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
આણંદ કલેક્ટરાલય ખાતે ઊભા કરવામાં આવેલા આ EMMC સેન્ટરની તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડી. એસ. ગઢવીએ મુલાકાત લઈ તેની કાર્યપદ્ધતિનું જાત નિરીક્ષણ કર્યુ હતું. તેમણે આ સેન્ટર ખાતે ઊભા કરવામાં આવેલ જિલ્લાની ચૂંટણી સંદર્ભની વિવિધ માહિતીને દર્શાવતાં સ્ટેન્ડીના કાર્યને બિરદાવી આ માહિતીસભર સેન્ટર મીડિયાના મિત્રો માટે ઊપયોગી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આ તકે આ સેન્ટર મારફતે થઈ રહેલી પેઈડ ન્યુઝ અંગેની સમયસર અને સમુચિત કામગીરીથી વાકેફ બની EMMC ના મિત્રો દ્વારા કરવામાં આવી રહેલી મીડિયા મોનિટરીંગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
*****