આણંદ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબકકામાં યોજવામાં આવનાર છે. તદ્અનુસાર આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકો માટે તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો આજથી અમલ થતાં જ આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ જણાવ્યું છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવાની સાથે પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયા સાથે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં કુલ ૧૭,૬૪,૩૮૪ મતદારો નોંધાયેલા છે તે પૈકી ૩૩,૫૧૬ નવા યુવા મતદારો નોંધાયા છે જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓનો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ૧૧૨-આણંદ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૩,૧૩,૮૫૭ મતદારો નોંધાયેલા છે, જેમાં ૧,૫૯,૧૨૨ પુરૂષ, ૧,૫૪,૭૩૦ સ્ત્રી અને ૦૫ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જયારે સૌથી ઓછા ૨,૨૦,૬૬૩ મતદારો ૧૧૪-સોજિત્રા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા છે. જેમાં ૧,૧૩,૮૨૧ પુરૂષ, ૧,૦૬,૮૩૫ સ્ત્રી અને ૦૭ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જયારે ૧૦૮-ખંભાત વિધાનસભા બેઠકમાં ૧૨,૦૬૮૫ પુરૂષ, ૧,૧૨,૭૦૨ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૩૩,૩૮૮ મતદારો, ૧૦૯-બોરસદ વિધાનસભા બેઠકમાં ૧,૩૪,૬૫૮ પુરૂષ, ૧,૨૬,૫૨૩ સ્ત્રી અને ૦૫ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૬૧,૧૮૬ મતદારો, ૧૧૦-આંકલાવ વિધાનસભા બેઠકમાં ૧,૧૪,૮૪૬ પુરૂષ અને ૧,૧૦,૨૩૪ સ્ત્રી મતદારો મળી કુલ ૨,૨૫,૦૮૦ મતદારો, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ૧,૩૮,૧૬૦ પુરૂષ, ૧,૩૨,૭૪૩ સ્ત્રી અને ૦૫ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૭૦,૯૦૮ મતદારો અને ૧૧૩-પેટલાદ વિધાનસભા બેઠકમાં ૧,૨૨,૦૧૮ પુરૂષ, ૧,૧૭,૧૭૭ સ્ત્રી અને ૧૦૭ થર્ડ જેન્ડર મળી કુલ ૨,૩૯,૩૦૨ મતદારોનો સમાવેશ થાય છે. શ્રી ગઢવીએ આણંદ જિલ્લામાં નોંધાયેલ મતદારોમાં ૧૫,૯૫૮ દિવ્યાંગ મતદારો, ૧૩૦ થર્ડ જેન્ડર અને ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૩૪,૬૯૩ મતદારો નોંધાયા હોવાની જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ૧૮૧૦ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં ૧૦૮-ખંભાતમાં-૨૪૦, ૧૦૯-બોરસદમાં-૨૬૪, ૧૧૦-આંકલાવમાં-૨૪૨, ૧૧૧-ઉમરેઠમાં ૨૮૯, ૧૧૨-આણંદમાં-૩૦૧, ૧૧૩-પેટલાદમાં-૨૩૯ અને ૧૧૪-સોજિત્રામાં-૨૩૫ મતદાન મથકોનો સમાવેશ થાય છે.
ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર સાત-સાત મળી કુલ-૪૯ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે, જે તમામ મતદાન મથકો મહિલા કર્મચારીઓ સંચાલિત હશે. જયારે સાતેય વિધાનસભા બેઠકોમાં એક-એક મળી કુલ સાત-સાત દિવ્યાંગ અને આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત ૧૧૨-આણંદ વિધાનસભામાં ૧ યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર હોવાની જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ માહિતી આપી હતી.
શ્રી ગઢવીએ આણંદ જિલ્લાના કુલ ૧૮૧૦ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુ.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ આગામી ૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાનાર આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સમગ્ર રાજયમાં આણંદ જિલ્લો મતદાનમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી ૯૦ ટકાથી વધુ મતદાન કરી પ્રથમ આવે તે માટેના મતદાન જાગૃતિના કાર્યમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી આણંદ જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વ સમાન આ સામાન્ય ચૂંટણીમાંતેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી મતદાન કરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી લલિત પટેલ અને પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
----------------------------