AnandToday
AnandToday
Sunday, 25 Sep 2022 00:00 am
AnandToday

AnandToday

લ્યો વાત કરો... સ્મશાનના મામલે પણ રાજકારણ..!

ઓડ ગામમાં NRI દાતાઓના દાન પર પાણી ફરી વળ્યું..!
 
લાખોના ખર્ચે  બનાવેલ ગેસ સંચાલિત અદ્યતન મુક્તિધામ બંધ હાલતમાં 

આંતરિક વિખવાદ કારણભૂત..બંધ મુક્તિધામને શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી

ઓડ 
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઓડ ગામમાં અંદાજિત ચાર વર્ષ અગાઉ દાતાઓના દાનથી  ગેસ સંચાલિત અદ્યતન મુક્તિધામ બનાવવામાં આવ્યું હતું. પરંતુ લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આ સ્મશાન ગૃહ 2018 ની સાલથી સ્થાનિક લોકોના આંતરિક વિખવાદના કારણે બંધ હાલતમાં  રહેતા NRI દાતાઓના દાન પર પાણી ફરી વળ્યું હોવાની ચર્ચા નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે
વધુમા મળતી વિગત મુજબ ઉમરેઠ તાલુકાનું  ઓડ નગર જે ચરોતર વિસ્તારનું N.R.I હબ કહેવાય છે. કારણકે નગરની મોટાભાગની જનતા વિદેશોમાં સ્થાયી છે. વિદેશમાં વસતા ભારતીયો પોતાના વતનમાં વિકાસના કામ કરવા માટે દાન કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. જેમાં ઓડ નગરના વિદેશમાં વસતા દાતાઓ દ્વારા નગરમાં લાખોના ખર્ચે અદ્યતન સ્મશાનગૃહ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ સ્મશાનગૃહ છેલ્લા ત્રણેક વર્ષ  ઉપરાંતથી બંઘ હાલતમાં છે. જેને ફરીથી શરૂ કરવાની ઓડ નગરની જનતાની માંગણી છે.
ઓડ નગરના N.R.I દાતાઓ દ્વારા ઓડ નગર તેમજ આસપાસના બીજા દસેક ગામડાના ગરીબ નાગરિકોની સુવિધા માટે ઓડ નગરમાં જ લાખોના ખર્ચે નવું અદ્યતન ગેસ સંચાલિત સ્મશાનગૃહ બનાવીને ઉમદા સેવાકીય કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ સ્મશાનગૃહ  સ્થાનિક સત્તાધિશોના સ્વાર્થ, અહમ અને ગંદા રાજકારણના કારણે છેલ્લા ત્રણેક વર્ષ  ઉપરાંતથી બંધ હાલતમાં છે.
જેને કારણે ઓડ ગામ અને તેની આસપાસની આશરે 30,000 જેટલી ગરીબ જાહેર જનતા પોતાના સબંધીના મરણપ્રસંગે આ સ્મશાનગૃહનો લાભ લઇ શકતી નથી. આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક નગરપાલિકા તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં નગરનું નવીન સ્મશાનગૃહ ચાલુ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેથી વહેલી તકે આ સ્મશાનગૃહ ચાલુ થાય તેવી ઓડ નગરની જનતાએ માંગણી કરી છે.

30 હજાર લોકોને પોતાના ખર્ચે લાકડા લાવીને અંતિમસંસ્કાર કરવા પડે છે.

ઓડ ગામના કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, “સ્મશાનગૃહ છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા સ્મશાનગૃહ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.

દાતાઓએ લાખો રૂપિયાની ખર્ચે અદ્યતન ગેસ સંચાલિત સ્મશાન બનાવી આપ્યું છે. પરંતુ એકબીજાને નીચું દેખાડવાની હોડના ગંદા રાજકારણને કારણે સ્મશાનગૃહને મંજૂરી ન મળતા આસપાસની 30,000 જનતાને પોતાના ખર્ચે લાકડા લાવીને અંતિમસંસ્કાર કરવા પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકાર દ્વારા વિદેશમાં વસતા દાતાઓને પ્રોત્સાહન આપવા માટે ‘વતનપ્રેમ’ નામની વિકાસલક્ષી યોજના ચાલુ છે. પરંતુ સ્થાનિક સત્તાધિશોના નકારાત્મક વલણને કારણે ઓડ નગરના દાતાઓ નિરાશ થયા છે. તેમજ આ પ્રકારે સત્તાધિશોના આવા પ્રતિકૂળ વલણને લઇ નગરના દાતાઓ પોતાના વતનમાં દાન આપતા નથી.વહેલી તકે આ સ્મશાનગૃહ ચાલુ થાય તેવી ઓડ નગરની જનતાની માંગણી છે.