આણંદ
આણંદ નગર અને તેની આસપાસ જિલ્લાના વિસ્તારોમાં થઇ રહેલા વિકાસની સાખ પૂરતા સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોરોનાકાળના લોકડાઉન બાદ મિલ્કતોના ખરીદ વેચાણના દસ્તાવેજોની નોંધણીનો ધમધમાટ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ના કોરોનાકાળમાં પણ ૨૬૩૫૮ જેટલા દસ્તાવેજોની નોંધણી જિલ્લાની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થઇ છે. વર્ષ ૨૦૨૧-૨૨માં જિલ્લામાં ૨૩૪૩૫ દસ્તાવેજોની નોંધણી થઇ છે. છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા. ૧૫૬.૨૩ કરોડ અને નોંધણી ફિ પેટે રૂ. ૨૯.૩૯ કરોડ મળી કુલ રૂા. ૧૮૫.૬૨ કરોડની આવક રાજ્ય સરકારને થવા પામી છે.
આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર શ્રી એમ. આર. ગુજ્જરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના આઠેય તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬૩૫૮ દસ્તાવેજો નોંધાયા હતા. જેની સ્ટેમ્પ ડ્યુટી પેટે
રૂા. ૮૩.૭૯ કરોડ અને નોંધણી ફી પેટે રૂ. ૧૫.૯૭ કરોડ સહિત રૂ. ૯૯.૭૭ કરોડની આવક રાજ્ય સરકારની તિજોરીમાં થઇ છે.તેવી જ રીતે વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૪૩૫ દસ્તાવેજો નોંધાયા હતા. જેની સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા. ૭૨.૪૩ કરોડ અને નોંધણી ફિ પેટે રૂ. ૧૩.૪૧ કરોડ સહિત રૂ. ૮૫.૮૫ કરોડની માતબર રકમ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે.
શ્રી ગુજ્જરે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ૨૬૯૭૯ દસ્તાવેજોની નોંધણી આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં થઇ હતી. જેની કુલ આવક રૂ. ૧૩૩.૪૩ કરોડ થવા જાય છે. અહીં આણંદ નગર ઉપરાંત વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ચિખોદરા સહિતના વિસ્તારોમાં વધુ દસ્તાવેજોના ખરીદવેચાણ થઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા કુલ દસ્તાવેજોની સાપેક્ષે આ જ કચેરીમાં ૫૦ ટકાથી વધુ દસ્તાવેજો નોંધાયા છે.
---------------------