AnandToday
AnandToday
Monday, 16 May 2022 18:30 pm
AnandToday

AnandToday

બિનવારસી મૃતકોના સ્વજન બની સંપૂર્ણ ધાર્મિક વિધિથી અગ્નિ સંસ્કાર કરનાર અલ્પાબેન પટેલની નિ:સ્વાર્થ સેવાભાવનાને બિરદાવતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી 

આણંદના નવગુજરાત અધિકાર સંઘ સંસ્થાએ 
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

સંસ્થાના શ્રીમતી અલ્પાબેન પટેલ સાથે સંસ્થા સાથે જોડાયેલ સભ્યો પણ જોડાયા 

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથેની આ શુભેચ્છા મુલાકાત જીવનનું સંભારણું બની રહેશે તેમ જણાવતાં શ્રીમતી અલ્પાબેન પટેલ 


આણંદ 
 સમાજમાં આજે ઘણી મહિલાઓ સામાજિક-શૈક્ષણિક-ધાર્મિક ક્ષેત્રે સેવારત રહીને સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. પરંતુ આણંદના અલ્પાબેન પટેલ કે જેઓ એક મહિલા હોવા છતાં પણ જે કામ મહિલાઓ ન કરી શકે તેવું કામ તેઓ નિ:સ્વાર્થપણે કરી રહ્યા છે. 
    આણંદના શ્રીમતી અલ્પાબેન પટેલ કે જેઓ આણંદ જિલ્લામાં મળી આવેલ બિનવારસી મૃતદેહો કે જેઓના કોઇ સ્વજન નથી તેવા બિનવારસી મૃતકોના સ્વજન બનીને સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ નિ:સ્વાર્થભાવે અગ્નિ સંસ્કાર કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. શ્રીમતી અલ્પાબેન પટેલ કે જેઓ આણંદ નવગુજરત અધિકાર સંઘ સાથે જોડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમતી અલ્પાબેન પટેલેએ અત્યારસુધીમાં અંદાજે ૪૦૦થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કાર કર્યા છે. 
    તાજેતરમાં આણંદ નવગુજરાત અધિકાર સંઘ દ્વારા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. 
    આ શુભેચ્છા મુલાકાત દરમિયાન નવગુજરાત અધિકાર સંઘ દ્વારા સમાજમાં અસહાય, નિર્બળ, નિરાધાર, ગૃહકલેશથી પીડિત મહિલાઓ અને વ્યકિતઓની કરવામાં આવી રહેલ સેવાઓ તેમજ શ્રીમતી અલ્પાબેન પટેલ દ્વારા બિનવારસી મૃતકોના કરવામાં આવી રહેલ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિઓ ઉપરાંત સમાજના સર્વાંગી વિકાસ અને પ્રકૃતિ-પર્યાવરણની જાળવણી અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે વિવિધ સંસ્થાઓને સાથે રાખીને કરવામાં આવી રહેલા સેવાકીય પ્રવૃત્તિઓની રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને અવગત કરાવવામાં આવ્યા હતા. 
    રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પ્રવૃત્તિ, સેવા અને સંઘર્ષ વિશે વિગતવાર જાણકારી મેળવી, ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. 
    રાજયપાલશ્રીએ સંસ્થાના શ્રીમતી અલ્પાબેન પટેલ એક મહિલા હોવા છતાં પણ તેમના દ્વારા જે રીતે નિ:સ્વાર્થભાવે બિનવારસી મૃતકોના મૃતદેહોને સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેને બિરદાવી મહિલા અને બાળ વિકાસ મંત્રીને શ્રીમતી અલ્પાબેન પટેલના આ ઉમદા કાર્યની નોંધ લેવા સૂચન કર્યુ હતું. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગુજરાતમાં અગમના બાદ તેઓની દેશ, સમાજ, ખેડૂતો, પશુપાલકો અને પ્રકૃતિ પ્રત્યેની સહજ સમર્પિતતા અને જીવનના વિવિધ વિષયો વિશેના જ્ઞાનને નજીક રહીને જાણવાનો જે લાભ મળ્યો  તે બદલ કૃતકૃત્યતાની લાગણી વ્યકત કરતાં શ્રીમતી અલ્પાબેન પટેલે મને જીવનમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જેવા વિધ્વાન અને શ્રધ્ધેય મહાપુરૂષને રૂબરૂ મળી નમન અને વંદન કરી માર્ગદર્શન મેળવવાની જે ઇચ્છા હતી તે પરિપૂર્ણ થવાની સાથે તેઓશ્રીના દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ અને માર્ગદર્શન મારા માટે જીવનભરનું સંભારણુ બની રહેશે તેમ જણાવ્યું હતું. 
    રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સંસ્થા સાથે જોડાયેલ શ્રી રવિભાઇ પટેલ, દીપાલીબેન ઉપાધ્યાય, હર્ષદભાઇ નાયક, મિનેશભાઇ પટેલ અને ભૂમિબેન વિગેરે સાથે રહ્યા હતા. 
    રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રીમતી અલ્પાબેન પટેલે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મા ભારતીનો ફોટો સંભારણારૂપે ભેટ આપ્યો હતો.