આણંદ,
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદની સામરખા ચોકડી પાસે આવેલી હોટલ એકતા અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલ નિશાત ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે. વાસી ફૂગ વાળું ખાવાનું મળી આવ્યું હતું. આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા, ખાદ્ય પદાર્થો ખુલ્લા જોવા મળ્યા છે, બટાટા સડી ગયેલા માલુમ પડ્યા અને ગંદકી જોવા મળી હતી.
મહાનગરપાલિકા ની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ 376 A અંતર્ગત સીલ કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
***