આણંદ ટુડે | આણંદ,
નિત્ય સહાયક મા મરિયમ ધર્મ વિભાગ, ચાવડાપુરા - જીટોડીયા ના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં હાલ ૪૦ દિવસના ઉપવાસ ચાલી રહ્યા છે, આજે રવિવારથી મહા સપ્તાહની શરૂઆત થઈ છે.
આજે તાડપત્રના રવિવારની ઉજવણી દરમિયાન ગામડી ચર્ચના ફાધર પિયુષ એસ. જે. એ જણાવ્યું હતું કે આજનું મુખ્ય સંદેશ એ જ છે કે લોકોની મેન્ટાલીટી બદલવાની જરૂર છે, લોકોએ વલણ બદલવાની જરૂર છે, જે કોઈ સારું છે તે થોડી જ ક્ષણો બાદ અથવા થોડા દિવસો પછી તે ખરાબ થઈ જાય છે. હાલ માણસો એ જુએ છે કે મને કઈ રીતે કેવો ફાયદો થાય છે. આજે મહા સપ્તાહ ની શરૂઆત થઈ છે, પ્રભુ ઈસુની કાલવારીની યાત્રા શરૂ થાય છે, પ્રભુ ઈસુની નજરના લીધે જ પિત્તરનું પરિવર્તન થયું હતું, પ્રભુ ઈસુએ બધું જ ભૂલી જઈને પસ્તાવાની કૃપા આપી છે, ત્યારે માણસ જાતે કદી કોઈની નિંદા ન કરવી જોઈએ. સ્વાર્થ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે, તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે, તેમ સમજાવી માણસે સ્વાર્થી ન બનવું જોઈએ અને પ્રભુ ઈસુ જેમ બધું જ ભૂલી જઈને બધાને માફી આપી એમ માણસ જાતે પોતાનું વલણ ન બદલતા, કોઈની નિંદા ન કરતા, એકબીજા સાથે ભાઈ ચારાથી રહેવું, એ જ આજનો મુખ્ય સંદેશ છે, તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં તાડપત્રના રવિવારની ઉજવણી અંતર્ગત પેરિસ ઓફિસ થી ચર્ચ સુધી ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ધર્મજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આજના દિવસે ધર્મજનો એ પરમ યજ્ઞમાં ભાગ લીધો હતો અને ફાધર પિયુષ દ્વારા અપાયેલ શુભ સંદેશ દ્વારા પ્રાર્થનામાં તલ્લીન બન્યા હતા.
****