AnandToday
AnandToday
Monday, 24 Mar 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં વધુ એક હોટલ સીલ કરાઈ

કરમસદ ખાતેની ગોવર્ધન કાઠીયાવાડી હોટલ ખાતે વાસી ફુગવાળું ખાવાનું મળતા હોટલ સીલ કરાઈ

આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ મુરલીધર ફૂડ પાર્સલ ખાતે જરૂરી સ્વચ્છતા નો અભાવ જોવા મળતા રૂપિયા ૧૨ હજારનો દંડ કરાયો

ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવશે- કમિશનર શ્રી મિલિંદ બાપના

આણંદ, મંગળવાર
આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાની સુચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ મુરલીધર ફૂડ પાર્સલ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળતા રૂપિયા ૧૨ હજારનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે કરમસદ ખાતેની ગોવર્ધન કાઠીયાવાડી હોટલ ખાતે આકસ્મિક તપાસ કરતા વાસી ફૂગ વાળું ખાવાનું મળી આવ્યું હતું. આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા અને ગંદકી જોવા મળી હતી તથા મોટી સંખ્યામાં મચ્છરો પણ જોવા મળેલ હતા.
મહાનગરપાલિકા ની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ 376 A અંતર્ગત સીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સુચના મુજબ ગત અઠવાડિયે મહાનગરપાલિકા વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટ ખાતે તપાસણી હાથ ધરતા આરોગ્ય લક્ષી ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા પાંચ હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી હતી.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
***