આણંદ, મંગળવાર
આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ આણંદ મહાનગરપાલિકાના તમામ વિસ્તારમાં મિલકતો ધરાવતા લોકોને જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ આગામી તારીખ ૩૧ માર્ચના રોજ પૂરું થતું હોય બાકી ભરવા પાત્ર ટેક્સ આણંદ મહાનગરપાલિકા ખાતે તા. ૩૧ માર્ચ સુધી આવતા રજાના દિવસોએ પણ વેરા સંબંધીત કચેરી ચાલુ રહેશે, જે ભરી જવા અનુરોધ છે. આ ઉપરાંત જે નગરજનો ચેક દ્વારા નાણાં જમા કરાવવા માંગતા હોય તેમણે આગામી તારીખ ૨૦ મી માર્ચ સુધીમાં પોતાનો ચેક મહાનગરપાલિકા, આણંદ ખાતે જમા કરાવવાનો રહેશે
.વધુમાં જણાવ્યા મુજબ જે કોઈ ઇસમોનો ટેક્સ ભરવાનો બાકી હોય એટલે કે ઘણા સમયથી ટેક્સ ભર્યો ના હોય તેઓને ખાસ તાકીદ કરવામાં આવી છે કે, બાકી પડતો તમામ ટેક્સ આગામી તા. ૩૧ માર્ચ સુધીમાં ભરવામાં નહીં આવે તો પાણી, ડ્રેનેજ કનેક્શન કાપવા અંગે અને મિલકત સીલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત જે મિલકતોના માંગણા બિલો ના મળ્યા હોય તેમણે આણંદ મહાનગરપાલિકા ઓફિસ ખાતે ટેક્સ વિભાગમાં સંપર્ક સાધી માંગણા બિલ મેળવીને સમયસર પોતાનો ટેક્સ ભરપાઈ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
આગામી તારીખ ૩૧ માર્ચ સુધીમાં તારીખ ૧૬ મી માર્ચને રવિવાર, તા.૨૨ મી માર્ચ ને શનિવાર, તા. ૨૩ માર્ચને રવિવાર, તા. ૩૦ માર્ચને રવિવાર અને ૩૧મી માર્ચ સોમવારના જાહેર રજા ના દિવસોએ પણ આણંદ મહાનગરપાલિકા ખાતે કરદાતાઓની સવલત ખાતર વેરા સંબંધીત કચેરી સવારે ૧૧-૦૦ કલાક થી બપોર બાદ ૧૬-૦૦ કલાક સુધી ચાલુ રહેશે, જેથી નગરજનોએ બાકી ટેક્સના નાણાં ભરપાઈ કરવામાં સુગમતા રહેશે.
આમ, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકતો ધરાવતા નગરજનો પોતાનો મિલકત વેરો વહેલામાં વહેલી તકે જમા કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.
***