AnandToday
AnandToday
Wednesday, 26 Feb 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૫૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

સરદાર પટેલ હાઇસ્કુલ, ખેતીવાડી ખાતે વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવતા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ની શરૂઆત થઈ છે, ત્યારે આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા સરદાર પટેલ હાઇસ્કુલ, ખેતીવાડી, આણંદ ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી, સાકરથી મોડું મીઠી કરાવી આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કલેકટર શ્રી એ ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર ૭૦ % થી વધુ વિકલાંગ ઉમેદવાર શ્રી વિજય ચાવડાને આવકારી તેના ખભે હાથ મૂકી શાંતિથી પેપર લખવા જણાવ્યું અને કોઈપણ જાતનું ટેન્શન રાખ્યા વગર ચિંતા કર્યા વગર ફ્રી વાતાવરણમાં પરીક્ષા આપવા જણાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી ત્યારે વિદ્યાર્થીના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું હતું.
કલેકટર શ્રી એ વિદ્યાર્થીનીઓ ને પણ કોઈપણ જાતના ભય, ડર રાખ્યા વગર પરીક્ષા આપવા જણાવ્યું હતું. 
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં લેવાના ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવી વિકલાંગ ઉમેદવારો માટે બેસવાની વ્યવસ્થા, દરેક રૂમમાં સીસીટીવી, વિદ્યાર્થીઓને સેનિટેશન ની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, દરેક રૂમ હવા ઉજાસ વાળા, જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું ટેન્શન રાખ્યા વગર શાંત ચિતે પરીક્ષા આપવા જણાવ્યું હતું. આ તબક્કે તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ પરીક્ષા લક્ષી પ્રશ્ન હોય તો બોર્ડનો ટોલ ફ્રી નંબર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦,  ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા  આપનાર છે.
આજે ધોરણ ૧૦ ના પ્રથમ પેપરમાં આણંદ જિલ્લામાં કુલ ૫૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
*****